મહુધા તાલુકાના ઉંદર ગામની મહોર નદીમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા

મહુધા તાલુકાના ઉંદરા ગામને અડીને પસાર થતી મહોર નદીમાંથી ભૂ-માફિયાઓ દ્વારા રાતદિવસ બેફામ માટી ખનન કરવામાં આવી રહ્યું છે. ઉંદરા આગળથી પસાર થતા નદીના પટને ખનીજ ચોરો દ્વારા અત્યંત ઊંડો કરવામાં આવ્યો છે. જેના પગલે આસપાસના ખેડૂતોના ખેતરનું પણ ચોમાસાની ઋતુમાં મોટા પાયે ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભૂ-માફિયાઓ દ્વારા ઉંદરા આગળથી પસાર થતી નદીનો દળ બેરોકટોક મહુધા શહેર સહિત આસપાસના ગામડાઓમાં પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. ભૂમાફીયાઓને ખનન કરતા અટકાવવામાં સ્થાનિક પંચાયત સહિત વહીવટી તંત્ર પણ નબળું પડી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે બીજી તરફ દિવસ રાત ચાલતી માટી ચોરી મામલે સ્થાનિક પોલીસની પણ રહેમ નજર હોવાની પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ખાન ખનીજ વિભાગ દ્વારા ઉંદરા મહોર નદીના પટમાં ખનન કરતા ભૂમાફીયાઓને પકડી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

નદીમાંથી દળ લેવાની પંચાયતે કોઈ મંજૂરી આપી નથી. ભરી જાય અમે ચોવીસ કલાક એની પાછળ ફરીએ. અમારે મહેસુલ ઉઘરાવવાનું હોય.સરકારી કામમાં અમે ફ્રી ના હોઈએ. મહુધા તાલુકામાં રાજકીય જોરે ભૂમાફિયાઓ દ્વારા થતી ખનિજચોરીથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી આ ચોરીનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું. મહુધા પંથકમાં ભૂ-માફિયાઓ બેફામ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.