સંત સરોવર ડેમનાં દરવાજા ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે પાણીની આવક વધવાથી રવિવાર સવારે સંત સરોવરના ડેમ ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે. જોકે હાલમાં સંત સરોવર ડેમમાં પાણીનું લેવલ ૫૫.૧૦ મીટર છે. જ્યારે પ્રતિ કલાક પાણીની આવક ૨૨૦ ક્યુસેકની છે. જોકે ધરોઇ ડેમ હાલમાં ૮૬ ટકા ભરાયો છે. ઉપરાંત પ્રતિ કલાક ૪૦૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી હોવાથી તેના દરવાજા ખોલવાની ફરજ પડે તેમ છે. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં ધરોઇ ડેમમાંથી પાણી છોડવા છિવાય સંત સરોવર ડેમ ભરાયો છે. ઉપરાંત બે વખત સંત સરોવરના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ત્યારે હાલમાં સંત સરોવરમાં પાણીનો જથ્થો ૫૫.૧૦ મીટરની છે. જ્યારે સંત સરોવર વીયરમાં પાણીની સપાટી ૫૫.૫૦ મીટર થાય ત્યારે દરવાજા ખોલવામાં આવે છે. સંત સરોવરમાં ફીટ કરાયેલા ૨૧ દરવાજામાંથી એક દરવાજો બે વખત ખોલીને પાણીને સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. જોકે હાલમાં સંત સરોવરમાં પ્રતિ કલાક ૨૨૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

જોકે સંત સરોવરનો વિસ્તાર લાંબો હોવાથી પાણીની આટલી આવકથી દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ થશે નહી. જોકે છેલ્લા બે દિવસથી આબુ સહિતના રાજસ્થાનના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આથી વરસાદનું પાણી ધરોઇ ડેમમાં આવવાથી ડેમ હાલમાં ૮૬ ટકા જેટલો ભરાઇ ગયો છે. ઉપરાંત હાલમાં ધરોઇ ડેમમાં પ્રતિ કલાક ૪૦૦૦ ક્યુસેક મીટર પાણીની આવક છે. જ્યારે તેની સામે હાલમાં ધરોઇ ડેમના એકપણ દરવાજા ખોલવામાં આવ્યા નથી. ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વરસાદ પડશે તો ધરોઇ ડેમમાં પાણીની આવક થવાથી તેના દરવાજા ખોલવા પડશે. જ્યારે ઉપરવાસમાં વરસાદથી જો સાબરમતી નદીમાં પાણી આવવાથી સંત સરોવરના દરવાજા ખોલવા પડશે તેમ સંત સરોવરના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.