નાસિકના યેઓલામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતે ઊગેલ પાકમાં આગ લગાવી!.. આ હતું કારણ!

નાસિકના યેઓલા તાલુકામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂત કૃષ્ણા ડોંગરેએ સોમવારે ૧.૫ એકરમાં તૈયાર ૧૨૫ ક્વિંટલ પાકમાં આગ લગાવી દીધી હતી. ડોંગરેનું કહેવું છે કે, તેણે પોતાના પાકને આગ લગાવી દેવાનો ર્નિણય એટલા માટે લીધો કેમ કે, સ્થાનિક કૃષિ બજારમાં ડુંગળીના યોગ્ય ભાવ મળતા નથી. ટીઓઆઈના જણાવ્યા અનુસાર, ડોંગરેએ કહ્યું કે, તેણે મતુલથન ગામમાં ૧.૫ એકરમા ડુંગળી વાવી હતી અને ઉપજ વધારવા માટે ૧.૫ લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કર્યો હતો. ડોંગરેએ કહ્યું કે, મારા પાક લણવા માટે તૈયાર હતો, પણ તેને કાપવા માટે મજૂરો લગાવવા પડ્યા. તેથી મારે વધારાનો ૩૫,૦૦૦ ખર્ચ આવ્યો. વળી બજારમાં લઈ જવાનો ખર્ચ આવતો.

જથ્થાબંધ બજારમાં ડુંગળીની કિંમત જોતા મજૂરોની મજૂરી પણ નહોતી નીકળતી. તેથી મેં મારા પાકને આગ લગાવી દીધી. તેમણે કહ્યું કે, ડુંગળીના જથ્થાબંધ ભાવ નીચે ગયા છે. હાલમાં મોટા ભાગના ખેડૂતો માટે ૨ રૂપિયાથી ૪ રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે. રાજ્ય સરકારે આ ડુંગળીના ખેડૂતોને ૧૫૦૦-૨૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિંટલ અનુદાન આપવાની જરુર છે. જેમણે છેલ્લા એક વર્ષમાં પોતાની ડુંગળી વેચી છે. એપીએમસીમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ૧૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી નીચે આવીને ૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે. મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદન સંઘના અધ્યક્ષ ભરત દિધોલેએ કહ્યું કે, એક કિલો ડુંગળી ઉગાડવામાં લગભગ ૧૮ રૂપિયાનો ખર્ચ આવે છે. પણ ખેડૂતો વાવણીનો ખર્ચ પણ કાઢી શકતા નથી.