૨૪થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં હજી પણ આ સીઝનની કડકડતી ઠંડી આવી જ નથી. આખો ડિસેમ્બર અને અડધુ જાન્યુઆરી જતુ રહ્યું, પરંતું લોકોને હજી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી. ઠંડી આવતી નથી, પરંતુ માવઠું આવ્યા જ કરે છે. જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનું છે. જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે.

૨૪થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ૧૭-૧૯ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ત્રણ શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જેમાં સૌથી ઓછું ૮.૪ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે. તો બીજી તરફ, નલિયામાં ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં ૧૦.૨ ડિગ્રી તામાન, અમદાવાદમાં ૧૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ૧૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાન ઝીરો પર પહોંચ્યું છે. ઠંડીનો પારો ગગડતાં બરફની પાતળી ચાદર છવાઈ છે. કાર, ઘાસ અને વૃક્ષો પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ઝીરો પર જતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડી ઉડાડવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. હજુપણ લઘુત્તમ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે.