ગુજરાતમાં કૌશલ્યવાન યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલ્લા છે – મંત્રી બલવંતસિંહ રાજપૂત

વડોદરામાં જી-૨૦ અને એલ-૨૦ અંતર્ગત કૌશલ્ય વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ સંદર્ભે રાજ્ય કક્ષાનો સેમિનાર સંપન્ન

સ્ત્રી સશક્તિકરણ અંગેની જાગૃતિ તેમજ યુવાઓને સ્કિલબેઝ સ્થાનિક રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે

વડોદરાઃ સમગ્ર ભારતમાં અત્યારે જી ૨૦ અંતર્ગત ૩૦ જેટલા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેમાં વડોદરા ખાતે ૫મો સેમિનાર હોટેલ સૂર્યા પેલેસ ગ્રાન્ડ મર્કયૂરી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ભારતીય મજદૂર સંઘ તથા શ્રમ અને રોજગાર સંલગ્ન કૌશલ્ય વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

ગુજરાતમાં સ્કિલબેઝ રોજગારી આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત એ વિકાસનું મોડેલ છે. જેમાં વડોદરા શિક્ષણ નગરી, સંસ્કારી નગરી તેમજ ઉદ્યોગ ક્ષેત્રમાં ક્રાંતિકારી નગરી ગણાય છે. મહિલાઓ અને દીકરીઓના સશક્તિકરણ અંગેની જાગૃતિ સાથે માહિતી અને અનેક યોજનાઓ થકી તેઓને સુવિધાઓ પુરી પાડવી તેમજ આપણા યુવાઓ સ્થાનિક રોજગારી મળી રહે તે હેતુથી આઈ. ટી. આઈ. તેમજ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ થકી પોતાની સ્કિલ ડેવલપ કરીને સરકાર અને કંપનીના સહયોગ વડે તેઓને જરૂરી રોજગારી સ્થાનિક કક્ષાએ મળી રહે એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આપણા દેશનું યુવાધન વિશ્વમાં સૌથી વધું છે જેથી કરીને યુવાઓ પોતાની જ આવડતના વિકાસ થકી આપણા દેશનો વિકાસ કરે તે માટે સરકાર દ્વારા પ્લેટફોર્મ પુરુ પાડીને કંપનીઓના સહયોગ થકી રોજગારી મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તથા દરેક શ્રમિકોના પ્રશ્નો અને માંગણીઓનું ચિંતન કરીને ઉકેલ લાવવામાં આવશે, એમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, એમ. એસ. યુનિવર્સિટીના ડીન અને ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્કના હેડ ડૉ. ભાવના મહેતા, એલ-૨૦ના અધ્યક્ષ હિરણ્મય પંડ્યા, ઇસ્કોન મંદિરથી સ્વામી ચૈતન્ય ચંદ્રદાસ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સહદેવસિંહ જાડેજા, સંગઠન મંત્રી અરવિંદ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ તેમજ વડોદરા જિલ્લા મજદૂર સંઘના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.