મે મહિનામાં ગરમીમાંથી દેશવાસીઓને રાહત મળી શકશે

હીટવેવથી કંટાળેલાં લોકો માટે મે મહિનાનાં શરૂઆતનાં દિવસો રાહત લઇને આવ્યાં છે. ગત બે ત્રણ અઠવાડિયાથી દેશમાં હીટવેવ ચાલુ છે. હાલમાં હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી થોડા દિવસો સુધી ગરમીનાં પ્રકોપથી શાંતિ મળશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં ઘણાં વિસ્તારમાં ભારે હવા ફુંકાશે. કેટલીક જગ્યાએ વરસાદ પડવાનાં પણ અણસાર છે. પશ્ચિમી વિક્ષોભને કારણે યૂપી, રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ભારે હવા ફુંકાઇ શકે છે. આવું વાતાવરણ આગામી ત્રણ દિવસ સુધી રહી શકે છે.

ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું કે, યૂપી અને રાજસ્થઆનમાં એક પશ્ચિમી વિક્ષોભ સોમવારથી સક્રિય થયો છે. જેની અસર આગામી કેટલાંક દિવસો સુધી રહેશે. આ કારણે ધૂળ ભરેલી હવા ચાલશે. ક્યાંક ક્યાંક ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ભારે હવા ચાલી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે હવા અને વરસાદનાં અણસાર છે. મંગળવાર અને બુધવારે કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઇ શકે છે. આગામી થોડા દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મહત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહેશે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવતા દક્ષિણ-પશ્ચિમ પવનોની અસર પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત પર યથાવત છે. જેના કારણે પૂર્વોત્તર રાજ્યો, સબ-હિમાલયન બંગાળ, સિક્કિમમાં આગામી ૫ દિવસ સુધી સારો વરસાદ અને જોરદાર પવન જોવા મળશે. મંગળવારે આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ઝારખંડ, બંગાળ, ઓડિશામાં કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ અને વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર છે. જેના કારણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ અને તેજ પવન ફૂંકાશે. આ ઉપરાંત બુધવારે દક્ષિણ આંદામાન સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે, જેના કારણે ૬ મે સુધી આ વિસ્તારમાં લો પ્રેશર રહેશે. આ અસરને કારણે ૫ અને ૬ મેના રોજ આંદામાન અને નિકોબારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.