કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ પહોંચી નથી : ડબ્લ્યુએચઓ

દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે, કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ પહોંચી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેસિયસે મીડિયા બ્રિફિંગમાં દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે કોરોનાની તાજા લહેર દર્શાવે છે કે મહામારી ‘એ ક્યાંય ગઇ નથી, આપણી આસપાસ જ છે.’ પ્રેસ બ્રિફિંગાં ટેડ્રોસે કહ્યું કે મને ચિંતા છે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે સરકારોને હાલના મહામારી નિયમોના આધારે તેમની કોવિડ યોજનાઓની સમીક્ષા કરવાની પણ વિનંતી કરી.

દેશમાં મંગળવારના કોરોના સંક્રમણના ૧૩,૬૧૫ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૩૬,૫૨,૯૪૪ થઈ ગઈ છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧,૩૧,૦૪૩ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ૨૦ લોકોના મોત થયા છે. આ સાથે જ મૃતકોની કુલ સંખ્યા વધીને ૫,૨૫,૪૭૪ થઈ ગઈ છે. દેશમાં હાલ કોવિડના ૧,૩૧,૦૪૩ એક્ટિવ દર્દી છે. જે કુલ કેસના ૦.૩૦ ટકા છે. દેશમાં સાત ઓગસ્ટ ૨૦૨૦ ના સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ ના ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બર ૨૦૨૦ ના ૪૦ લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ ના ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ ના ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ ના ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ ના ૮૦ લાખ અને ૨૦ નવેમ્બર ૨૦૨૦ ના ૯૦ લાખને પાર પહોંચી ગઈ હતી. દેશમાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ના આ કેસ એક કરોડથી વધારે થઈ ગયા હતા. ગત વર્ષ ૪ મે ના સંક્રમિતોની સંખ્યા દોઢ કરોડ અને ૨૩ જૂન ૨૦૨૧ ના ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષે ૨૫ જાન્યુઆરીના કેસ ૪ કરોડને પાર થઈ ગયા છે.