રોડ,પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાતો ના અભાવે લાંભાના નાગરિકોએ દેખાવો કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા વોર્ડ માં ૧૦ વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓ ઊભી ના કરતા આજે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્થાનિક લોકો દ્વારા લાંભા વોર્ડ ઓફિસમાં દેખાવો કરવામાં આવ્યા હતાં.

લાંભા વોર્ડને ૧૦ વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.લાંભા વોર્ડ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યાને ૧૦ વર્ષ થયાં તેમ છતાં તંત્ર દ્વારા તેના વિકાસના કામોમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લાંભા વોર્ડ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. લાંભા વોર્ડમાં આજે પણ રસ્તાઓ ખરાબ હાલતમાં છે.હજુ પણ ટીપી ના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા નથી.

લાંભા માં હજુ પણ ડ્રેનેજ તેમજ સ્ટોર્મ વોટર લાઈન નું સંપૂર્ણ નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું નથી.તેમજ પીવાના પાણી ના પણ પ્રશ્નો છે.આ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પરંતુ તેમના પ્રશ્નો નો નિકાલ થઈ રહયો નથી. આથી આજે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્થાનિક લોકો દ્વારા અમદાવાદ મનપા ની લાંભા વોર્ડ ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા.તેમજ અધિકારીને આવેદનપત્ર આપી પ્રાથમિક સુવિધા આપવા કરી માંગ કરી હતી.