અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીઃ ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર મંગળવારે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ પાસે રોડ પર આ મકાન આવેલું છે. મકાનમાં ત્રણ ભાઈનો પરિવાર તેમના પિતા સાથે મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરતો હતો. એક ભાઈ ત્યાં જ રહેતો હતો, બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતો હતો. જો રાતે તમામ પરિવારના સભ્યો હાજર હોત અને મકાનનો ભાગ પડ્યો હોત તો વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોત. જોકે સદનસીબે તેઓ બચી ગયા હતા.

મકાન ધરાશાયી થયું એમાં ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય અમરીનબાનું શેખે જણાવ્યું હતું કે મકાનમાં ઇરફાનભાઈ શેખ અને સસરા પીરભાઈ શેખ રહેતા હતા. ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરે છે. દરરોજ સવારે અમે પરિવાર સાથે અહીં મકાન પર કામ માટે આવીએ છીએ. સવારે અમે ઘરે હાજર હતા. ત્યારે અમને જાણવા મળ્યું જ કે મકાન પડ્યું છે, જેથી પરિવાર સાથે અમે તાત્કાલિક અહીં પહોંચી ગયા હતા. ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે..