ઈલેક્ટ્રિક સ્કુટરમાં આગ લાગવાનું કારણ ખરાબ સ્તરની બેટરી

તાજેતરમાં દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોની મોટી બેદરકારી સામે આવી છે. રિપોર્ટ કહે છે કે, આ ઘટનાઓની તપાસ માટે રચાયેલી કમિટીને ટેસ્ટ માટે કંપનીઓ દ્વારા જે બેટરી મોકલવામાં આવી છે તે સ્તરની બેટરીનો ઉપયોગ વાહનમાં કરાયો જ નથી! ટેસ્ટિંગ એજન્સી ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ.આર.એ.આઈના સૂત્રથી જાણવા મળ્યું કે, લગભગ તમામ કંપનીઓએ પરીક્ષણ માટે ગ્રેડ-એ સ્તરની બેટરી સબમિટ કરી હતી. આમાંની ઘણી કંપનીઓએ પ્રોડક્ટ અને વેચાયેલા તમામ સ્કૂટર્સમાં આવી બેટરીનો ઉપયોગ નથી કર્યો. પૂરતી માહિતી વિના તમામ કંપનીઓએ આ ગરબડ કરી હશે તેવું કહેવું કે માની લેવું યોગ્ય નથી. બની શકે કે સ્પષ્ટ નિયમો અને દેખરેખના અભાવે કેટલીક નાની કંપનીઓએ આ તકનો લાભ લીધો હોય.

જો કે, આ વિશે ઓકિનાવા, ઓલા, જિતેન્દ્ર અને પ્યોર ઇવી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો. આ બાબતની તપાસ અંગે સરકારી સૂત્રએ કહ્યું હતું કે, કંપનીઓ આવી ગડબડીમાં સામેલ હોવાની શક્યતાને નકારી શકાય નહીં. કંપનીઓએ બી-ગ્રેડની બેટરીનો ઉપયોગ કરતા અટકાવવા માટે સરપ્રાઇઝ ચેકિંગનો કડક અમલ કરવાની જરૂર છે. સૂત્રએ જણાવ્યું હતું કે, બેટરી, તેની ગુણવત્તા, કિંમત અને ખરીદીના સ્થળ વિશેનો તમામ ડેટા કંપનીઓ પાસે ઉપલબ્ધ છે. અન્ય એક સૂત્રને શું કંપનીઓ ઓછી ગુણવત્તાની બેટરીનો ઉપયોગ કરી રહી છે? તેવું પૂછવામાં આવતા જણાવાયું હતું કે, તપાસ ટીમ આગ લાગવાની દરેક શક્યતાઓ પર ધ્યાન આપી રહી છે. ઉપયોગમાં લેવામાં આવતી બેટરી શ્રેષ્ઠ હોય તે વાતની કંપનીઓએ ખાતરી કરવી જોઈએ. આ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીઓને ટેસ્ટિંગ અને ક્વોલિટી કંટ્રોલ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

માર્ગ પરિવહન સચિવ ગિરિધર અરમાને પુષ્ટિ કરી હતી કે, તપાસમાં બહાર આવ્યું છે કે ઉપયોગમાં લેવામાં આવતી બેટરીઓ અને તેના પેકેજિંગ, બેટરી ડિઝાઇન, થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં ફંક્શનલ સેફટી ઈંપ્રૂવમેન્ટની જરૂર છે. બેટરીમાં રહેલા અસંખ્ય સેલ વાહનને ચલાવવા માટે જરૂરી ઊર્જાનું રૂપાંતર કરે છે. આવા સેલને ગુણવત્તાના આધારે ઉતરતા ક્રમમાં Aથી C સુધીની કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.