રાજકોટમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરનો જથ્થો ઠલવાશે

રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર ૧૦ દિવસમાં જ સૌનીનું પાણી રાજકોટને મળતું હતું, પરંતુ સરકાર બદલાઈ જતા મનપાએ પત્ર લખ્યાના ૪૨ દિવસ બાદ રાજકોટને પાણી મળશે.

સરકાર બદલાયા બાદ ૨૦૨૨માં ૧૦-૦૧ના રોજ પાણી માટે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે પત્ર લખતા ૧૮ દિવસ બાદ ૨૮-૦૧ના રોજ સિંચાઈ વિભાગને પત્ર મળ્યો હતો અને ૪૨ દિવસ બાદ ૨૧ ફેબ્રુઆરીના પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં પાણીકાપ શરૂ થાય તે પહેલા આજી-૧ ડેમમાં ૭૦૦ એમસીએફટી પાણી અપાશે. ૩૦૦ ક્યુસેક લેખે બે પમ્પ શરૂ કરવામાં આવતા ૨૧ ફેબ્રુઆરીના ધોળીધજાથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે ૪૧ કિમી દૂર થાન પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ મચ્છુ પમ્પિંગ સ્ટેશને પહોંચ્યું હતું. ૨૨ ફેબ્રુઆરીએ ત્રંબા પમ્પિંગ સ્ટેશનમાં પહોંચ્યું છે. જ્યાંથી ત્રંબાના પાંચ ચેકડેમ અને એક કાળીપાટના ચેકડેમ તથા બે ખાણ મારફતે આજી-૧ ડેમમાં પાણી પહોંચશે. ત્રંબા પમ્પિંગ સ્ટેશનથી આજી-૧ ડેમમાં પાણી પહોંચતા અંદાજે ૧૨ કલાક જેટલો સમય લગતા પાણી આજી-૧માં પહોંચશે. જો કે ન્યારી ડેમમાં રિપેરિંગનું કામ કરવાનું હોવાથી અત્યારે આજી-૧માં પાણી આપવામાં આવ્યું છે.