‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્ર સાથે ૫ ઓગસ્ટના રોજ ૭૪મા ‘વન મહોત્સવ-૨૦૨૩’ મહાઅભિયાનની ઉજવણી કરાશે

વિવિધ જિલ્લા કક્ષાએ કેબિનેટ-રાજ્ય મંત્રીઓ તેમજ  મહાનગરપાલિકાઓમાં મેયરની ઉપસ્થિતિમાં ‘વન મહોત્સવ’ યોજાશે

ગુજરાતમાં વધુને વધુ હરિયાળી લાવવા તેમજ રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા દર વર્ષે યોજાતો વન મહોત્સવ અગત્યનો ભાગ ભજવે છે. ‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્રને સમગ્ર ગુજરાતભરમાં સાર્થક કરવાના ઉદ્દેશ સાથે આગામી તા. ૫ ઓગસ્ટના રોજ રાજ્યના ૩૨ જિલ્લાઓમાં કેબિનેટ,રાજ્યમંત્રી   અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં મેયર  ની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૪માં વન મહોત્સવ-૨૦૨૩ મહાઅભિયાનની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવનાર છે.

દર વર્ષે ગુજરાતમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામીણકક્ષાએ વિવિધ સ્વરૂપે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્ર સાથે આ વર્ષે  ભૂપેન્‍દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા સહિત વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં તા.૩ ઓગસ્ટના રોજ જેપુરા-પાવાગઢ ખાતે રાજ્યકક્ષાનો ‘૭૪મો વન મહોત્સવ-૨૦૨૩’ તથા ‘વન કવચ’ લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

‘વાવે ગુજરાત’ને ચરિતાર્થ કરી ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના હેતુ સાથે આ મહાઅભિયાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ  વલસાડ જિલ્લાના નામધા-વાપી ખાતે, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાના તપોવન જૈન દેરાસર-સતલાસણામાં, કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરના રામરોટી આશ્રમ-ધ્રોલમાં, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણના સુજાણપુર-સિદ્ધપુરમાં, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા બોટાદના પાળિયાદમાં, વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકાના વડત્રા-ખંભાળિયામાં, આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ભરૂચના જંબુસરમાં તેમજ મહિલા-બાળ કલ્યાણ મંત્રી  ભાનુબેન બાબરીયા સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રા ખાતે યોજાનાર વન મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના બારડોલી ખાતે, સહકાર રાજ્ય મંત્રી    જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના ગુરૂકુળ પીરાણા-દસ્ક્રોઈમાં, મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગરના માનવડમાં, પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ મહીસાગરના માનગઢમાં, વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ નવસારીના બિલીમોરામાં, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અમરેલીના બાબરામાં,આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લાના સોનગઢમાં, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક  બાલકૃષ્ણ શુક્લા વડોદરાના પીપરીયા ગામ-વાઘોડિયામાં, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ગીર સોમનાથના ગીર ગઢડામાં, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પોલીસ હેડક્વાર્ટરર્સ મોરબીમાં, નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી ખેડાના ખલાલ કમાન્ડો તાલીમ સેન્ટર-કઠલાલમાં તેમજ નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ-ડાંગ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં સહભાગી થશે.

આ ઉપરાંત આણંદ, કચ્છ, ગાંધીનગર, નર્મદા, પોરબંદર, છોટાઉદેપુર. રાજકોટ, જૂનાગઢ, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખોની હાજરીમાં વન મહોત્સવ ઉજવાશે.

આ સિવાય રાજ્યની અમદાવાદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત એમ તમામ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં મેયરની ઉપસ્થિતિમાં વન મહોત્સવ-૨૦૨૩ની ઉજવણી કરવામાં આવશે તેમ,વન વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.