હાલોલના પાવાગઢમાં ભંગારના ૫ ગોડાઉનમાં ભયાનક આગ લાગી, લોકોમાં ભયનો માહોલ

પાવાગઢ બાય પાસ અને પાવાગઢના મુખ્ય માર્ગ પર ખડકાયેલા મોટાભાગના સ્ક્રેપના ગોડાઉનોમાં ફાયર સેફટીના કોઇ જ સાધનો ન હોવાથી છાસવારે આગની ઘટનાઓ બને છે અને મોટા નુકસાનની સાથે સાથે આસપાસનો રહેણાંક વિસ્તાર ખાલી કરાવવો પડે છે. અને લોકોમાં ભય ફેલાઇ જાય છે. તંત્રને વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ જ પગલાં ન ભરાતા સ્થાનિકોએ રોષની લાગણી જાેવા મળી રહી છે. ખાસ કરીને પાવાગઢ મુખ્ય રોડ પર આવેલા ગેસ સ્ટેશનનો વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં ગેસ સ્ટેશનની બિલકુલ સામે નવી શરતની જમીનો પર કોઇ પણ જાતની મંજૂરી વગર સ્ક્રેપના ગોડાઉનો સહિતના ગેરકાયદે બાંધકામો થયા હોવાની બૂમો ઉઠી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જાેતું હોય તેવું લાગણી સ્થાનિકોમાં ફેલાઇ છે. પાવાગઢ આવતા જતા પગપાળા યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે હાલોલ જ્યોતિ સર્કલથી માચી સુધીનો ફોર લેન બનાવીને રોડની ડાબી બાજુ યાત્રાળુઓને ચાલવા માટે ફૂટપાથ બનાવી પ્રોટેક્શન ગ્રીલ લગાવી છે, પણ જ્યારે પણ યાત્રાળુઓ પાવાગઢ બાયપાસ રોડ પરથી પસાર થાય છે, ત્યારે મોટા ભાગે રોડ પરની સ્ટ્રીટ લાઈટો બંધ હોય છે અને સ્ક્રેપના ગોડાઉનોથી ફેલાતા પ્રદૂષિત ધુમાડાથી યાત્રાળુઓના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં પાવાગઢ બાયપાસ રોડ હોટલ હેરિટેજ સામે સ્ક્રેપના ૫ ગોડાઉનમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિક સહિતના સ્કેપમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.

પ્લાસ્ટિક સ્ક્રેપના જથ્થામાં લાગેલી આગ વધુ વિકરાળ બની ગઇ હતી. જેને પગલે હાલોલ અને કાલોલ, એમ.જી. મોટર સહિતના ૫ જેટલાં ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ બુઝવવાની કામગીરી કરી શરૂ હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. હાલોલ વિસ્તારમાં એક પછી એક આગની ઘટનાઓ આવી સામે રહી છે. ૫ ગોડાઉનો આગની ચપેટમાં આગમાં મોટા નુકસાનની આશંકા સેવાઇ રહી છે. સ્ક્રેપ ગોડાઉનો લાગેલી ભીષણ આગને લઇને ફાયર સેફ્ટી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્ક્રેપના ગોડાઉનો રહેણાંક વિસ્તારની વચ્ચે હોય છાસવારે બનતી આગની ઘટનાઓને લઇને રહીશોના જીવ પડીકે બંધાયેલા રહે છે. તંત્ર કાર્યવાહી કરીને ખાસ કરીને ફાયર સેફટીના સાધનો ફરજીયાત કરાવે અને પ્રદૂષણ ફેલાવવા સામે તટસ્થ કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.