સુરત-પલસાણા જીઆઈડીસી દુર્ઘટનાઃ ભોગ બનેલા મૃતક કામદારના પરિવારની યોગ્ય વળતર આપવા રજૂઆત

સુરત જિલ્લાના પલસાણા જીઆઈડીસી ખાતે આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં ગત 14 નવેમ્બરે એક મોટી દુર્ઘટના બનવા પામી હતી. આ દુર્ધટનામાં 4 કામદારોના મોત થયા હતા. આ તમામ કામદારો કંપનીમાં આવેલી ટાંકી સાફ કરવાના કાર્ય દરમિયાન ગૂંગળાઈ જવાથી દર્દનાક મોતને ભેટ્યા હતા. આ ઘટનાને એક મહિના કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં આ મૃતકોના પરિવારો ન્યાય અને યોગ્ય વળતરની રાહ જોઇને બેઠા છે.

આ ઘટનામાં ચાર પૈકીના એક કામદાર દિપક સિંહનું પણ મોત નીપજ્યું હતુ. મૃતક કામદાર ઉત્તરપ્રદેશનો રહેવાશી હતો અને તેના માતા-પિતા માટે ઘડપણની લાકડી હતો. જોકે, આ ગોઝારી ઘટનાએ આ માતા-પિતાનો યુવાન દિકરાનો ભોગ લીધો છે. આ પરિવાર પોતાના દિકરાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે.

દિપક સિંહના પિતા ઉમા શંકર સિંહે પર્યાવરણ ટુડે સાથેની વાતચીતમાં પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતુ કે કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી ઘટનામાં મારા દિકરા દિપક સિંહે (ઉ.વ.24)નું મૃત્યુ થયું હતુ. મારા બે દિકરામાં દિપક સિંહ નાનો દિકરો હતો, પરંતુ તે અમારા પરિવાર માટે જીવનનો આધાર હતો. અમારા યુવાન દિકરાને અમારાથી છીનવીને આ ઘટના અમારા જીવનને કપરૂં બનાવી દીધું છે. અમને યોગ્ય ન્યાય મળી રહે તેવી માંગ અમે કરી રહ્યાં છીએ.

મૃતક દિપક સિંહના મૃત્યુ બાદ વળતર બાબતે ઉમા શંકર સિંહે વધુમાં જણાવ્યું હતુ કે મારા દિકરાના મૃત્યુ બાદ અમને રૂપિયા 3 લાખનું વળતર મળ્યું હતુ. ત્યારબાદ, અમને કોઇ પણ તરફથી બીજી કોઈ સહાય મળી નથી. અમને કંપનીમાંથી અમારા દિકરાના સામાનને લઇ જવાની જાણ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક વળતર અંગે વાત કરવામાં આવી નથી. તેમજ નવુ બેંક ખાતુ ખોલવા માટે અમને કહેવામાં આવી રહ્યું છે, તેમ અમારા સગાના માધ્યમથી જાણવામાં આવી રહ્યું છે. પરંતુ અમારા જીવનનો આધાર એવા દિકરાના મૃત્યુથી અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ત્યારે આ દુર્ધટનામાં મારા દિકરા સહિત તમામ મૃતકોના પરિવારને યોગ્ય ન્યાય અને વળતર મળી રહે તે માટે હું સંબંધિત તંત્ર અને સરકારને રજૂઆત કરૂં છું.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાની 14 તારીખે પલસાણા જીઆઈડીસી સ્થિત કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં ટાંકી સાફ-સફાઇ માટે ઉતરેલા કામદારોના શ્વાસ રૂંધાઈ જવાથી મોત નીપજ્યાં હતા. આ કામદારોને સેફ્ટી માટેના જરૂરી સાધનો પણ આપવામાં ન આવ્યા હતા. જેથી આ ઘટનામાં કંપનીને પ્રાથમિક રીતે મૃતકોના મોત માટે જવાબદાર ઠેરવી શકાય. આ ઘટના બાદ કિરણ ઇન્ડસ્ટ્રીઝને જીપીસીબીએ ક્લોઝર નોટિસ આપી રૂ.50 લાખનો દંડ ફટકાર્યો હતો.