સુરત કોર્પોરેશન ૧૦ મેગા વોટનો સોલર પ્લાન્ટ સ્થાપશે

સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં ૧૦ મેગા વોટ ક્ષમતાનો વધુ એક સોલર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ૬૪.૪૬ કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટના મેઇનટેનન્સ પાછળ ૧૦ વર્ષે ૩ કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ૧૦ મેગા વોટના સોલાર પ્લાન્ટ માટે મહાનગરપાલિકા ગુજરાતના કોઈપણ સ્થળે ૪૦ એકર જગ્યા ભાડેથી મેળવશે. ત્યારબાદ પ્લાન્ટની જાળવણીની જવાબદારી ખાનગી એજન્સીને સોંપવામાં આવશે, પ્લાન્ટમાંથી જે વીજળી ઉત્પાદન કરવામાં આવશે તે વીજળીનું વેચાણ કરી જગ્યાનું ભાડું ચુકવવામાં આવશે. વર્ષે દહાડે ૧૭ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરીને મહાનગરપાલિકા ૯.૫૦ કરોડની આવક કરશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

લાઈટ એન્ડ ફાયર સમિતિની બેતજકમાં ૧૦ મેગા વોટ સોલાર પ્લાન્ટને લીલી ઝંડી આપવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા વર્ષે દહાડે વીજ પુરવઠા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આ ખર્ચનું ભારણ હળવું કરવા માટે સુરત મહાનગરપાલિકા કુદરતી ઉર્જા તરફ આગળ વધી રહી છે. સુરત મનપાએ વર્ષ ૨૦૧૦ માં ૨૨ કરોડ રૂપિયાના ખર્ચે ૩.૭૫ મેગા ક્ષમતાનો પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટ કચ્છમાં સ્થાપિત કર્યો હતો. આ પ્લાન્ટ પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. જે સરભર થઇ ગયો છે. આ ઉપરાંત મહાનગરપાલિકાને વીજ ઉત્પાદનથી કરોડો રૂપિયાની આવક પણ થઇ છે. ત્યારબાદ મહાનગરપાલિકાએ તબક્કાવાર કચ્છ નખત્રાણા ખાતે ૮, પોરબંદર ખાતે ૫ અને જામનગર ખાતે ૪ મળીને અંદાજે ૩૨૦ કરોડ રૂપિયાના ખર્ચે કુલ ૧૭ જેટલા પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. આ સાથે જ મનપા હવે મનપાની વિવિધ મિલ્કતો પર પણ સોલાર પ્લાન્ટ ગોઠવીને આર્ત્મનિભર બનવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *