અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વૃક્ષો વાવ્યા તેની માહિતી માંગતા તંત્ર મૌન

મધ્યઝોનમાં આવેલા તમામ વોર્ડમાં પાંચ વર્ષમાં વાવવામાં આવેલા વૃક્ષ અને પ્રતિ વૃક્ષ વાવવા પાછળ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવેલા ખર્ચની સરકારી રેકર્ડ આધારીત નકલ પણ માંગવામાં આવી હતી.નિયત સમય મર્યાદામાં અરજદારને બગીચા વિભાગ તરફથી માહિતી પુરી પાડવામાં ના આવતા ૨૦ જુલાઈ-૨૦૧૯ રોજ અપીલ અધિકારી સમક્ષ પ્રથમ અપીલ કરવામાં આવી હતી.પ્રથમ અપીલનો કોઈ જવાબ આપવામાં ના આવતા અરજદારે રાજયના માહિતી આયોગ સમક્ષ અપીલ કરી હતી.રાજયના માહિતી કમિશનર વિરેન્દ્ર પંડયા દ્વારા ૧ ઓકટોબર-૨૦૧૯ના રોજ મ્યુનિ.ના જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીને ત્રીસ દિવસમાં અરજદાર તરફથી કરવામાં આવેલી પ્રથમ અપીલની સુનવણી કરી રાજય માહિતી આયોગને એનો રીપોર્ટ  એક મહિનામાં આપવા લેખિતમાં જાણ કરી હતી.

ઉપરાંત ૬૦ દિવસમાં અરજદારને કોઈ માહિતી ના મળે અથવા કોઈ ર્નિણય ના થાય તો અરજદાર ચોકકસ કારણો સાથે આયોગમાં અપીલની સુનવણી કરાવવા રજુઆત કરી શકશે એવો પણ રાજય માહિતી કમિશનર દ્વારા લેખિતમાં ઓર્ડર કરવામાં આવ્યો હતો.અરજદારની મળેલી પ્રતિક્રીયા મુજબ,ત્રણ વર્ષથી આયોગના આદેશ છતાં પણ બગીચા વિભાગ તરફથી કોઈ માહિતી આપવામાં ના આવતા હાલ આયોગ સમક્ષ અપીલ ચાલી રહી છે.એક તરફ અમદાવાદ શહેરમાં મિશન મિલીયન ટ્રી અંતર્ગત વધુ વૃક્ષો વાવીને  શહેરના ગ્રીન કવરમાં વધારો કરવાની વાતો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે.

બીજી તરફ મધ્ય ઝોનમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.પ્રતિ વૃક્ષ તંત્ર તરફથી કેટલો ખર્ચ કરવામાં આવ્યો એ અંગે માંગવામાં આવેલી વિગતો ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી અરજદારને આપવામાં આવતી નથી.ઉપરાંત રાજયના માહિતી કમિશનરે ત્રણ વર્ષ અગાઉ પ્રથમ અપીલની સુનવણી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગને આપવામાં આવેલા આદેશને પણ ઘોળીને પી જવામાં આવતા હાલ રાજય માહિતી આયોગમાં આ મામલે વધુ એક અપીલ થતા સુનવણી ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજદાર પંકજ.પી.ભટ્ટે  ૨૧ મે-૨૦૧૯ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગમાં  મધ્યઝોન સંબંધિત માહિતી માંગી હતી.અરજદાર દ્વારા મધ્ય ઝોનમાં આવેલા વીજળીઘર ચાર રસ્તાથી રીલીફ રોડ થઈ રસ્તાની આજુબાજુમાં છેલ્લા પાંચ નાણાંકીય વર્ષમાં વાવવામાં આવેલા વૃક્ષ અને પ્રતિ વૃક્ષ વાવવા પાછળ કરવામાં આવેલા ખર્ચની સરકારી રેકર્ડની પ્રમાણિત નકલ માંગી હતી.