થરાદના પશ્ચિમ વિસ્તારના ગામોના તળાવમાં નર્મદાનું પાણી જોડાણ કરવા સિંચાઈ અધિકારીઓ સાથે શંકર ચૌધરીએ કરી બેઠક

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી પોતાના મત વિસ્તાર થરાદના પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ સતત અધિકારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી વિકાસના કામોની ગતિ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. શંકર ચૌધરીએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે થરાદના ૯૭ ગામોના તળાવોમાં કઈ રીતે નર્મદાના પાણીથી જોડી શકાય તે માટેની મેરેથોન બેઠક કરી હતી. આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહી ૯૭ ગામમાં આવતાં તળાવોને નર્મદાના પાણીથી જોડવા માટેની વિગતે ચર્ચા કરી હતી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકર ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે થરાદના ૯૭ ગામોને નર્મદાના પાણીથી જોડવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જેના ભાગરૂપે આજે સિંચાઈના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં ભૌગોલિક પરિસ્થિતિથી લઈ થરાદના ૯૭ ગામોમાં નર્મદાનું પાણી કઈ રીતે પહોંચાડી શકાય તે માટે સિંચાઈના અધિકારીઓ પાસેથી અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલે વિગતો મેળવી હતી.

વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ થરાદ પહોંચેલા શંકર ચૌધરી આજે થરાદ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

નગરપાલિકામાં ચાલતા વિકાસના કામો તેમજ તાલુકા પંચાયતમાં ચાલતા મહત્ત્વના વિકાસના કામોની વિગતો અધ્યક્ષ શંકર ચૌધરીએ મેળવી હતી. વિકાસના કામોને ગતિ આપી પ્રજા સુખાકારી માટેના કામો વધુ તેજ ગતિથી થાય તે માટેના સૂચનો નગરપાલિકા અને તાલુકા પંચાયતના અધિકારી અને પદાધિકારીઓને કર્યા હતા. સતત ત્રણ દિવસથી ચાલતા પ્રવાસ દરમિયાન થરાદ મત વિસ્તારના નાગરિકો અધ્યક્ષ શંકર ચૌધરીનો સીધો સંપર્ક કરી પોતાની પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. પોતાના ત્રણ દિવસ દરમિયાનના પ્રવાસ બાદ રાત્રે ખાનપુર ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખાનપુર ગામે ભરાતાં વરસાદી પાણીની સમસ્યાને લઈ લોકોના પ્રશ્નોની જાણકારી અધ્યક્ષએ મેળવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું.

સ્થાનિક લોકો અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી. જેના સત્વરે નિરાકરણ માટે અધ્યક્ષ શંકર ચૌધરીએ ઘટતું કરવાની ખાતરી આપતાં સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.