વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદના વટવામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે

શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામા પર રજૂઆત કરવામાં આવી છે. ૧૫ વર્ષથી જુના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીઝમાં ફ્યુઅલ તરીકે વપરાતા ફરનેસ ઓઇલ અને કોલસાને તબક્કાવાર રીતે ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાનું બંધ કરવા માટે સરકાર નિર્ધારિત હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. ૨૦૨૫-૨૬ સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ૩૫ થી ૫૦ ટકા સુધારો કરવા સરકાર મક્કમ હોવાની સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યમાં એર ક્વોલિટી સુધારવા કોલસાનો ઉપયોગ બંધ કરી અને નેચર ગેસ કે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધવો જાેઈએ એવી માંગ સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં GPCB આ વિગતો રજૂ કરી છે.  વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદમાં વટવા વિસ્તાર અતિ ગંભીર રીતે પ્રદૂષિત હોવાની વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી છે. આ સાથે ભાવનગર, મોરબી, જૂનાગઢ અને અમદાવાદના નરોડા-ઓઢવ વિસ્તાર અતિ પ્રદૂષિત હોવાની વાત પણ સ્વીકારી. અમદાવાદ અને સુરતની એર ક્વોલિટી નિર્દિષ્ટ માપદંડ કરતાં ખરાબ હોવાની વાત પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી છે.