દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના અમુક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી

ઉત્તર-પૂર્વ ભારતના હવામાનની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦ ફેબ્રુઆરીએ એટલે કે આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. ૨૦ ફેબ્રુઆરીએ વરસાદની સાથે પૂર્વ અરુણાચલ પ્રદેશ અને પૂર્વોત્તર આસામમાં પણ કરા પડી શકે છે. IMD એ આ જ સમયગાળા દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે. IMD અનુસાર, ઓડિશામાં પણ ૧૯ થી ૨૦ ફેબ્રુઆરી વચ્ચે વરસાદની સંભાવના છે. IMD ના સત્તાવાર નિવેદન અનુસાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ૧૯ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળમાં પણ ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં હવામાન સ્વચ્છ છે. દિવસ દરમિયાન આકરા તડકાના કારણે લોકોને ઠંડીથી પણ રાહત મળી છે. તે જ સમયે, ફરી એકવાર હવામાન પલટાવવાનું છે. આગામી થોડા દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ એ શનિવારે આગાહી કરી છે કે ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે. પંજાબમાં આજે ૨૦ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ૨૨ ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પંજાબના પડોશી રાજ્યો ચંદીગઢ-હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનના ઘણા ભાગોમાં પણ આગામી ૨૨ થી ૨૩ ફેબ્રુઆરી વચ્ચે હળવો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ૧૯, ૨૦ અને ૨૨ ફેબ્રુઆરીએ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તોફાની પવન (૨૫-૩૫ કિમી પ્રતિ કલાક) ફુંકાવાની પણ સંભાવના છે. ૨૨ ફેબ્રુઆરીએ ઉત્તર રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ રહેશે.