ઋષિગંગા નદીમાં જળસ્તર વધતા ટનલમાં રેસ્ક્યુ કામ અટકાવાયું

ચમોલીમાં ગુરુવારે ઋષિગંગા નદીમાં જળસ્તર વધી જવાથી તપોવન સ્થિત ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટેનું રાહત અને બચાવ કાર્ય અટકાવવાની ફરજ પડી છે. તપોવન ટનલમાંથી મજૂરોને બહાર કાઢવામાં લાગેલી ટીમને પુરને પગલે ટનલમાંથી બહાર નિકળવાની ફરજ પડી છે. જળસ્તરમાં એકાએક વધારો થતા અફરાતફરી મચી ગઈ હતી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે, ચમોલી જિલ્લામાં બચાવ કાર્યને થોડીવાર માટે રોકવાની ફરજ પડી છે. ઋષિગંગા નદીમાં પાણીનું લેવલ ઘણું વધી ગયું છે.

૭ ફેબ્રુઆરીએ નંદા દેવી સ્થિત ગ્લેશિયર ફાટતાં જળ પ્રલયની ઘટના બની હતી. નજીકમાં જાેશીમઠ ખાતે અને તપોવન નજીક પાવર પ્રોજેક્ટને મોટાપાયે નુકસાન થયું હતું અને ટનલમાં ઘસમસતા પાણીના પ્રવાહ સાથે કાટમાળ ઘુસી જતા અનેક લોકો ફસાઈ ગયા હોવાની આશંકા છે. ચાર દિવસથી કાટમાળ હટાવીને ટનલમાંથી મજૂરોને બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે. હવે જળ સ્તરે કેવી રીતે વધ્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. રૈની ગામમાંથી માહિતી મેળવવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.