ગુજરાતમાં આગામી પાચ દિવસ વરસાદની આગાહી

 

ગુજરાતમાં આજથી ૫ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે. ૧૫ જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે. ૧૬ જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે. ૧૭ જૂને પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાચ દિવસથી મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ગત રાત્રે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદીઓમાં વરસાદને લઈ ભારે ખુશી પણ જોવા મળી હતી. ત્યારે રવિવારના રોજ રાજયના ૨૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી પાચ દિવસ વરસાદની આગાહી આપી છે. મોરબીમાં વરસાદને પગલે ચાર લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા લોકો પર વરસાદને લઈ દિવાલ ધરાશાયી થઈ હતી. મોરબી તાલુકાના ઝીકિયારી ગામે વીજળી પડતા મહિલાનું મોત પણ થયું છે. વર્ષા કિશોરભાઈ અદગામા નામની મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે. તો બીજા એક કિસ્સામાં રાજયના મહીસાગરમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. જેમાં સૂકીદેવી ફળિયામાં રહેતા એક મહિલાનું મોત થયું છે. મહિલા વરસાદને લીધે પશુને ઘરમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે વીજળી પડી હતી. ત્યારે ગત રવિવારના રોજ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો હતો.

વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્તા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી હતી. અમદાવાદના એસજી હાઇવે પર આવેલા થલતેજ અંડર પાસ, ઝાયડસ બ્રિજ પાસેના રોડ પર હજુ પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાને કારણે રોડ પર કાદવ કિચડમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર બન્યા છે. અમદાવાદમાં હજી પણ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩૦ થી ૪૦ ાદ્બની ઝડપે પવન ફૂંકાશે, સાથે વીજળીના કડાકા પણ સંભળાશે.

હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૨ અને ૧૩ જૂનથી દક્ષિણ ગુજરાત, દાદર નગર હવેલી, ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો સહિત અમદાવાદ, ગાંધીનગર, આણંદ જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ૧૩ થી૧૫ જૂને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.