જમ્મુ-કાશ્મીરના કટરામાં વરસાદે તોડ્યો ૪૩ વર્ષનો રેકોર્ડ, ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ

દેશ-વિદેશના લાખો માઇભક્તોની આસ્થાના કેન્દ્ર સમા કટરામાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે માતા વૈષ્ણોદેવીની નવા રૂટની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જો કે જૂના રૂટ પર રાબેતા મુજબ યાત્રા ચાલુ રહેશે. અનરાધાર વરસાદને કારણે કટરામાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કટરામાં વરસાદે છેલ્લા ૪૩ વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. કટરામાં ૨૪ કલાકમાં જ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે વર્ષ ૧૯૮૦ બાદનો સૌથી વધુ વરસાદ છે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઇઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે ભારે વરસાદને કારણે કટરામાં ઠેર-ઠેર ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે, જેને ધ્યાને રાખીને માતા વૈષ્ણો દેવી મંદિરનો નવો રૂટ શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ખરાબ હવામાનને કારણે મંદિર માટે હેલિકોપ્ટર સેવા પણ બંધ કરાઇ છે. શ્રદ્ધાળુઓ ત્રિકુટા પહાડી પર સ્થિત મંદિર સુધી જૂના માર્ગ દ્વારા જ પહોંચી શકશે.