ભાલ પંથકના ખેડૂતોની જમીન ઔદ્યોગિક એકમોને આપવાની સામે ખેડૂતોનો વિરોધ

ભાવનગર જિલ્લામાં પ્રવેશતાં ખંભાતની ખાડીને અડીને આવેલી લાખો એકર જમીન આજે ભાલ પંથક તરીકે ઓળખાય છે. રાજાશાહી કાળમાં ભાવનગર જિલ્લાનું વલ્લભીપુરના ગામ “વળા” બંદર તરીકે પ્રખ્યાત હતું પરંતુ કાળ ક્રમે દરિયો દૂર થતાં સમય પસાર થતાં દરિયાએ છોડેલી જમીનો પૈકી કેટલોક હિસ્સો ફળદ્રુપ બનાવા સાથે ખેતી માટે યોગ્ય બનતાં આ જમીનનો ઉપયોગ હજારો ખેડૂતોનો જીવન જીવવાનો આધાર બની છે. એક મોટા ભાગ પર મીઠાનો ઉદ્યોગ ધમધમે છે ત્યારે આ ખેતીલાયક જમીન પર કબ્જો કરી રૂપિયા રળી લેવાની લાલસા સરકાર ના મનમાં જાગી હોય તેમ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ ૧૨ ગામથી વધુ ગામોની જમીનોને ઉદ્યોગકારોને ભેટ ધરી ખેતી બરબાદ કરી ખેડૂતો ના આજીવિકા ના એકમાત્ર માધ્યમને પણ હડપ કરી લેવાનો કારસો સરકારે ઘડ્યો છે હાલમાં સેંકડો એકર જમીન પર ઉદ્યોગ સ્થાપવા સરકાર તલપાપડ બની છે અને એ માટે કાર્યવાહી પણ શરૂ કરી છે આ વાતનો વિરોધ ભાલના ગ્રામજનો કરી રહ્યાં છે.

મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી હતી તથા ભૂતકાળને મુદ્દા સ્થાને ટાંકી જણાવ્યું હતું કે ભાલની જમીનોમાં વર્ષોથી થઈ રહેલા દબાણોને કારણે ખેતી લાયક જમીનો બરબાદ થઈ રહી છે ઉપરાંત વરસાદી પાણીનો ભરાવો થવો દરીયાના પાણી ફરી વળવા ખેત ફસલ બરબાદ થવી એ સાથે આ વિસ્તારમાં વૈશ્વિક સંપદા તથા દુર્લભ જીવસૃષ્ટિ ની ધરોહર કાળીયાર પ્રાણીઓના અસ્તિત્વ નો ખતરો તોળાઈ રહ્યો છે આથી સરકાર ઉદ્યોગ માટે જે જમીન ફાળવવા ઈચ્છે છે એ સરહદ ખેતી થી દૂર રાખવા માંગ કરી છે.

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલી હજારો એકર જમીનો પર વર્ષોથી ખેતી તથા મીઠાના અગરો અસ્તિત્વ ધરાવે છે અને ખેડૂતો ચોમાસું-શિયાળુ સિઝનમાં ખેતી કરી પોતાનો તથા પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે. આ જમીનો પર ઔદ્યોગિક એકમો સ્થાપિત કરી ખેડૂતોની આજીવિકાનું એકમાત્ર માધ્યમ છીનવી લેવાનો કારસો સરકારે ઘડ્યો હોય જેને ૧૨ થી વધુ ગામનાં ખેડૂતો દ્વારા વિરોધ કરી ખેતી લાયક જમીનો ઉદ્યોગ માટે ન ફાળવવા રજૂઆત કરી છે.