મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ
સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે લોકોમાં રોષ જોવા મળે તે સ્વાભિવક બાબત છે. આવી જ એક ઘટના હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી, જ્યાં ખુલ્લામાં ઠલવાતા કથિત કેમિકલ વેસ્ટને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના વિશે વિગતે જોઇએ તો થોડા દિવસ પહેલા મૂળીના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટ ઠલવાતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતુ. આ વેસ્ટને લઇને સ્થાનિકો દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ પર્યાવરણ ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મૂળીના ગ્રામ્ય વિસ્તારની ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટ ઠલવાતો હોવાના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચારોના આધારે અમારા અધિકારી દ્વારા 25 જાન્યુઆરીના રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સરા ગામમાં ખારા પટ વિસ્તારમાં કેટલાંક સોલિડ વેસ્ટના ઢગલા જોવા મળ્યા હતા. જોકે આ સોલિડ વેસ્ટ સિરામિકમાંથી નીકળતા ક્લે પાર્ટિકલ્સ જાણવા મળ્યું હતુ. તેથી પ્રાથમિક દ્રષ્ટિએ તે જોખમી કચરો નથી તેવું જણાયું છે. આ સોલિડ વેસ્ટ પાણીમાં ઓગળતો નથી અને તેની પીએચ માત્રા પણ ન્યુટ્રલ જોવા મળી હતી. જેના પરથી તે ક્લે પાર્ટિકલ્સ હોવાનું કહી શકાય.
મોરબીથી આ વેસ્ટ અહીં ઠાલવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેથી હવે આ અંગે આગળની તપાસ કરવામાં આવશે. આ બાબતને સ્થાનિક વહીવટી તંત્રના ધ્યાન પર લાવીશું. – તેમ સુરેન્દ્રનગર જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.