ભાવનગરમાં ટેલિસ્કોપ દ્વારા લોકોએ ખગોળીય ઘટનાને નિહાળી

ભાવનગરમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તા. ૮-૧૨-૨૦૨૨ને રોજ સાંજેના સમયે પૃથ્વી પછીનો બીજા ક્રમનો મંગળ ગ્રહ વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક હતો. જેને હાઈ રેન્જના વિવિધ ટેલિસ્કોપ દ્વારા તખ્તેશ્વર મંદિર ખાતેથી લોકોએ નિહાળ્યો હતો. આવી જ એક ખગોળીય ઘટના તા. ૦૮-૧૨-૨૦૨૨ને રોજ ઘટી હતી. જેની વધુ વિગતો આપતા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર હર્ષદ જોષીએ જણાવ્યું હતું કે, પૃથ્વી પછીનો બીજા ક્રમનો મંગળ ગ્રહ આજે વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક હતો. ઉપરાંત તેના પર આ દિવસે સૂર્યનો પ્રકાશ વધુ/સીધો પડવાને કારણે વર્ષના અન્ય સમય/દિવસો કરતાં વધુ તેજસ્વી દેખાયો હતો. તે ઉપરાંત ટેલિસ્કોપ વડે મંગળ ગ્રહની નારંગી રંગીન સપાટી પણ જોઈને લોકો આનંદિત થયા હતા, સાંજ દરમિયાનમાં કુલ ૫૬૦થી વધુ લોકો એ નિહાળ્યું હતું.

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વગેરેનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતુ કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.