લોકોની ઉંઘ-હોશ ઉડીગયા અને ગણા વિસ્તારોમાં વીજળી પણ ગાયબ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉધના-વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે વરસાદના પગલે અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સવાર સુધી વીજ પુરવઠો રાબેતા મુજબ થયો ન હતો.

સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે.

ત્યારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન-એમાં ૪૬ મિમિ વરસાદ પડ્યો હતો. ભારે ગરમી વચ્ચે વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ધોધમાર વરસાદ ખાબકતા ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.