ભરૂચના પિલુદ્રામાં બોરમાંથી લાલ રંગનું પાણી નીકળતાં લોકો ચિંતિત

ભરૂચના પિલુદ્રા ગામની સીમમાં આવેલા ખેતરોના બોરમાં કેમિકલયુક્ત લાલ કલરનું પાણી નીકળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે. પરંતુ જી.પી.સી.બી તંત્ર દ્વારા માત્ર સેમ્પલ લઇ સંતોષ માનવામાં આવતો હોવાની ખેડૂતો બુમરાણ મચાવી રહ્યા છે. ત્યારે તંત્રના પાપે ખેડૂતોએ ખેતરોમાં ઉભા પાકને નુકશાન થઇ રહ્યું હોવાની બૂમો ઉઠી છે. કેમિકલયુક્ત પાણી નીકળતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉભી થવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગામની આજુ બાજુ આવેલી કંપનીઓ ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી ઉતારી ભૂગર્ભને દુષિત કરતા હોવાની શક્યતાઓ ખેડૂતો સેવી રહ્યા છે.જંબુસર તાલુકાના પિલુદ્રા ગામની સીમમાં આવેલા ખેતરમાં પાણીના બોરમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી નીકળતાં ખેડૂતો ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવી રહ્યા છે.

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામની સીમમાં બોરમાંથી ફરી એકવાર કેમિકલયુક્ત પાણી નીકળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતું હોવાના કિસ્સા સામે આવ્યા છે.