અમદાવાદના બલોલનગર ચાર રસ્તા પાસે વિશાળ ભુવો પડતા રાહદારીઓ પરેશાન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ભુવા પડવાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીમાં શહેરમાં ૭૦થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ છે ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં બલોલનગર ચાર રસ્તા પર જ વિશાળકાય ભૂવો પડ્યો છે. રાણીપ વિસ્તારમાં અવરજવર માટે આ મુખ્ય રોડ છે અને આ ચાર રસ્તા પર જ ભુવો પડવાના કારણે કોઈ વ્યક્તિ તેમાં પડે નહીં માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ તાત્કાલિક ધોરણે આસપાસ મોટા પતરા લગાવી દીધાં હતા. બલોલનગર ચાર રસ્તા પાસે સવારે અને સાંજે ઓફિસના પિક અવર્સ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે ત્યારે રોડ પર જ આ ભુવો પડતાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ બલોલનગર ચાર રસ્તા પર સવારે અને સાંજના સમયે ટ્રાફિક થતો હોય છે.

આસપાસમાં વાહનો અને લારી ગલ્લાવાળાના દબાણ થતાં હોય છે. હવે આ વિશાળ ભુવો પડવાનાં કારણે ત્યાં આસપાસ કોર્પોરેશનને ઓછી જગ્યામાં ભુવો કોર્ડન કરવાની જગ્યાએ વિશાળ પતરા મૂકી અને રોડની જગ્યા ઓછી કરી નાખતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ચાર રસ્તા પર જ ભુવો પડ્યો હોવાથી તેને તાત્કાલિક રીપેર કરવાની શરૂઆત કરવાની જરૂર છે. પરંતુ કોર્પોરેશનના ઈજનેર વિભાગના અધિકારીઓ દ્વારા ૨૪ કલાક બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ અને રખડતાં ઢોર બાદ શહેરીજનોએ હવે ભુવાથી પણ બચીને રહેવાની જરૂર છે. કારણકે વરસાદ બાદ પણ શહેરમાં મુખ્ય રોડ પર ભુવા પડી રહ્યાં છે. રાણીપ વિસ્તારમાં બલોલનગર ચાર રસ્તા પર જ વિશાળ ભુવો પડ્યો છે. ચાર રસ્તા પર જ ૨૦ ફૂટ ઉંડો ભુવો પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસપાસ મોટા પતરા રાખી કોર્ડન કરવામાં આવ્યો છે. મુખ્ય ચાર રસ્તા પર જ વિશાળ ભુવો પડવાના કારણે ટ્રાફિકજામ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ ભુવાના રિપેરિંગની કામગીરી શરૂ કરવાની જરૂર છે પરંતુ ભુવો પડ્યાંના ૨૪ કલાક બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી.