પ્રાકૃતિક ખેતી મારા માટે ‘મિશન’ અને સૌથી મહત્વનો વિષય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિવૃત્ત સચિવ સંજય અગ્રવાલ અને કૃષિ મંત્રાલય, નવી દિલ્હીના સંયુક્ત સચિવ પ્રિય રંજને આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વિસ્તારવા અત્યંત અગત્યની બેઠક કરી હતી. રાજ્યપાલશ્રી એ ખૂબ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ મારા માટે સૌથી મહત્વનો વિષય અને મિશન છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સિવાયની અન્ય પદ્ધતિઓ બાબતે તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતી ખર્ચાળતો છે જ સાથોસાથ પર્યાવરણ, પશુઓ અને મનુષ્ય; સૌ કોઈ માટે નુકસાનકારક છે. જૈવિક ખેતી અત્યંત ખર્ચાળ છે, લાભદાયી નથી. એટલું જ નહીં, તેના સારા પરિણામો મળ્યા હોય એવા કોઈ પરિમાણો પણ નથી. વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ નેચરલ ફાર્મિંગ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. ખેડૂતો માત્ર દેશી ગાયના આધારે શૂન્ય ખર્ચમાં ખેતી કરી શકે છે. ભૂમિની ગુણવત્તા સુધરે છે. પર્યાવરણને નુકસાન નહીં, આરોગ્યની કોઈ ચિંતા નહીં અને ઉત્પાદન વધતાં ખેડૂતોની આવક પણ વધે છે. આ સ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એક માત્ર ઉપાય છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે માટે આગ્રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ વિભાગના પ્રયત્નોથી આજે ગુજરાતમાં સવા ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. રાજ્યનો ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો બન્યો છે.

ભારત સરકારનું કૃષિ મંત્રાલય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા વિશેષ પ્રયત્નો કરી રહ્યું છે. આ બેઠકમાં આ દિશામાં વિચાર-વિમર્શ થયો હતો. ભારત સરકારના કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ ઘણી નીતિવિષયક બાબતો પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન મેળવ્યું હતું.