આગામી તહેવારોની વણઝાર પહેલા નડિયાદમાંથી દોઢ હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

નડિયાદઃ નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂ.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિલોનો ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરૂં આયોજન કરાયું છે.

ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી કોશિયા જણાવ્યું છે કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્‌સમાંથી અંદાજે રૂ. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિલોગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની સઘન તપાસ હાથ ધરવામા આવે છે. જેના ભાગરૂપે વડી કચેરીની ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્‌સ (મુ. સલુન-તલપદ, તાઃ નડિયાદ, જિ-ખેડા) ખાતે રાખવામાં આવેલી જગ્યામાં પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્‌સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો/વેપાર કરે છે. આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૪,૦૫,૮૬૪/- થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.