૩૦ સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે

ગુજરાતમાં આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના મતે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.ગુજરાત પર ફરી ભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાવાની આગાહી કરી છે. આ હવાનું હળવું દબાણ સર્જાયા બાદ ૨૪ કલાકમાં વધુ મજબૂત બનશે. જેના પગલે ગુજરાતના દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. આગામી ૩ દિવસ રાજયમાં વરસાદનો માહોલ યથાવત રહેશે. તમામ વિસ્તારમાં મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી. હાલ ડિપ્રેશન છે, ૬ કલાકમાં વેલમાર્ક લો-પ્રેશર બનશે. ૩૦ સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે. સાયકલોનમાં પરિવર્તિત થશે કે નહીં એ અંગે આગામી સમયમાં માહિતી આપવામાં આવશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.