રાજકોટની બે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી મનપા દ્વારા નોટિસ
રાજકોટની શ્રી સંજીવની હોસ્પિટલ અને ડો.ભંભાણી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે કોઈ સુવિધા જ નથી. મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મામલે તપાસ કરતા ચોંકાવનારી હકિકતો મળી છે. જ્યાં અપૂરતા ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર સિસ્ટમ બંધ જોવા મળતા મનપાએ બન્ને હોસ્પિટલને માત્ર ઓપીડી તરીકે ચલાવવાની નોટીસ ફટકારી છે. અગાઉ અમદાવાદ અને રાજકોટ ખાતે હોસ્પિટલમાં સર્જાયેલી દુઘર્ટના આંખ ઉઘાડનારી છે. છતાં પણ બન્ને હોસ્પિટલની બેદરકારીને કારણે હજારોની સંખ્યામાં સારવાર લેતા દર્દીઓ ભયના ઓથાર તળે સારવાર લઈ રહ્યા છે.
આ સાથે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૧૪થી ૨૧ ફેબ્રુઆરી સુધીમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી સંસ્થાઓ જેવી કેએન. એમ. શ્ વિરાણી સાયન્સ યોગીધામ ગુરૂકુળ, કાલાવડ રોડ, સ્વામીનારાયણ ગુરૂકુળ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, તેમજ એ. જી. ઓફીસમા ઓડીટ વિભાગ / એકાઉન્ટન્ટ જનરલ વિભાગમાં ફાયર સેફટી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટ્રેનીંગ દરમ્યાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી સંસ્થાઓમાં કુલ મળીને આશરે ૪૧૫ જેટલા કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર અને ફાયર મેન સહિતના સ્ટાફ દ્વારા આગ બુઝાવવા માટેનાં બાટલા (ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર)નો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.