નિલેશ કુંભાણીના ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવાની માગણી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્‌યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ આ મામલે હવે શું કરશે?

દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી સુરત બેઠક પર ચાર પ્રસ્તાવક પણ ભેગા ન કરી શકી અને તેના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. ન જાન્યું જાનકી નાથે, કાલ સવારે શું થવાનું છે. આ કહેવત નિલેશ કુંભાણી પર એકદમ યોગ્ય લાગુ થાય છે કેમ કે કોંગ્રેસે સુરત બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં તેઓ લડવા માટે પૂરી તૈયારી કરી રહ્યા હતા. જોરશોરથી પ્રચાર-પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અને રંગેચંગે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું. પરંતુ રાજનીતિમાં અચાનક મોટો ટ્‌વીસ્ટ આવ્યો. ૨૦ તારીખે નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી હોવાનો ઈન્કાર કરતાં ઉમેદવારી ફોર્મ સામે સવાલ ઉભા થયા. અને ૨૧ તારીખે બપોર સુધીમાં તો સમાચાર આવી ગયા કે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં નિલેશ કુંભાણી પોતે સવાલોના ઘેરામાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ ફોર્મ રદ થવા માટે નિલેશ કુંભાણીને જવાબદાર ગણાવ્યા છે. કોંગ્રેસને મળેલા ઝટકા પછી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એક્શનમાં આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે મોટો ખુલાસો કર્યો કે નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત કરી હતી. સાથે જ ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવાની માગણી કરી છે. કુંભાણીનું ફોર્મ રદ થયા પછી કોંગ્રેસના બાબુ માંગુકિયાએ જણાવ્યું કે અમે હાઈકોર્ટ અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેમણે ભાજપ પર લોકશાહીનું ખૂન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો.

સુરત બેઠક ૧૯૮૯થી ભાજપનો ગઢ રહી છે કેમ કે ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, અને ૨૦૦૪માં ભાજપના કાશીરામ રાણા સુરતથી સાંસદ બન્યા. તો ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપના દર્શનાબેન જરદોશ સાંસદ તરીકે ચૂંટાયા. જ્યારે છેલ્લી ૪ ટર્મમાં ભાજપની લીડ કેટલી રહી હતી તેની વાત કરીએ તો. ૨૦૦૪માં ભાજપની લીડ ૧,૫૦,૫૬૩ હતી. તો ૨૦૦૯માં ભાજપની લીડ ઘટીને ૭૪,૭૯૮ થઈ ગઈ. ૨૦૧૪માં ભાજપની લીડ ફરી એકવાર વધીને ૫,૩૩,૧૯૦ સુધી પહોંચી ગઈ અને ૨૦૧૯માં તે લીડ ફરી વધીને ૫,૪૮,૨૩૦ સુધી પહોંચી. હાલ તો ઉમેદવારી ફોર્મ રદ થતાં સુરત બેઠક પર ભાજપ ગેલમાં આવી ગયું છે. જ્યારે કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા ફેલાઈ ગઈ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news