આજે કેરળમાં ચોમાસાનું આગમન થશેઃ હવામાન વિભાગ

કેરાલાના દરિયા કિનારે ૩૧ મે સુધીમાં ચોમાસાનુ આગમન થઈ શકે છે તેવુ ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે.

હવામાન વિભાગે કહ્યુ છે કે, ચોમાસુ પૂર્વનિર્ધારિત રીતે આગળ વધી રહ્યુ છે.૩૧ મેના રોજ કેરાલામાં તેનુ આગમન થશે અને પાંચ જૂન સુધીમાં તે ગોવા પહોંચશે.આ વખતે સરેરાશ વરસાદ થશે તેવુ પણ હવામાન વિભાગનુ કહેવુ છે.

સામાન્ય રીતે ભારતનુ ચોમાસુ કેરાલામાં એક જુન સુધી પહોંચતુ હોય છે અને પાંચ જુન સુધીમાં ગોવામાં પહેલા વરસાદનુ આગમન થતુ હોય છે.જોકે છેલ્લા બે સપ્તાહથી દેશના કેટલાક હિસ્સામાં જોરદાર વરસાદ થયો છે અને તેની પાછળનુ કારણ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં ઉદભવેલા બે તોફાન છે.

છેલ્લા ૧૬ વર્ષથી કેરાલામાં ચોમાસાના આગમનની હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી છે.આ વર્ષે પણ હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે.

જો ચોમાસાની ગતિ આગાહી પ્રમાણે જ રહી તો ૧૫ જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ પહોંચી જશેજોકે ઉત્તર ભારતના લોકોને ચોમાસા માટે રાહ જોવી પડશે.અહીંયા સામાન્ય રીતે ૧ જુલાઈથી ચોમાસુ શરુ થતુ હોય છે.