આનંદો…ગુજરાતમાં વિધિવત્‌ રીતે ચોમાસાનું આગમનઃ વલસાડ ધોધમાર વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રીની દસ્તક આપી છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.

બુધવારે સવારે પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું. વરસાદની શરૂઆત થઇ હતી. ગઈકાલે પણ જિલ્લાના વાપી-વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, સાથે દાદરા-નગરહવેલીમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાતથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કપરાડા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીની સીઝન ચાલી રહી છે, આથી વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે બે દિવસથી જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. બે દિવસથી વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. દાદરા-નગરહવેલીના ખારવેલમાં ૧૨૯.૬ એમએમ અને સેલવાસમાં ૫૭ એમએમ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હાલ નૈઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. હવામાન ખાતા પ્રમાણે સામાન્ય કરતા ૬ દિવસ વહેલા ચોમાસું પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડશે. તાપી, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. તેની સાથે કહેવામાં આવ્યું છે કે,આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ આવશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવ થતા આગાહી વરસાદની છે. રાજ્યમાં આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે. સુરત , નવસારી , વલસાડ ,ડાંગ ,તાપી , ભરૂચમાં ૧૧ અને ૧૨મી જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.