અમદાવાદના ઘોડાસરમાં ખોદકામ કરતા સમયે પાઈપલાઈન તૂટતા લાખો લીટર પાણી વહી ગયું

અમદાવાદ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનનું તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રોડ પર વહી જતું હોવાની ઘટનાઓ બને છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મણિનગર, ઘોડાસર, હાટકેશ્વર અને ખોખરાની આસપાસના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન તૂટી જતાં લાખો લીટર પાણી વહી જાય છે, ત્યારે આજે પૂર્વ વિસ્તારમાં ઘોડાસરમાં આવેલા આલોક બંગલોઝમાં ખોદકામ દરમિયાન સોસાયટીની પાણીની મુખ્ય લાઈન તૂટી ગઈ હતી. જેના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું.

સવારે ૬ થી ૮ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પાણી આપવામાં આવે છે તે પાણી આવતાની સાથે જ લાખો લેટર પાણી રોડ પર રહી ગયું હતું. શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા આલોક બંગ્લોઝમાં સવારે વગર વરસાદે ભરાયા પાણી હતા. ખાનગી કંપનીની લાઈન નાખવા માટે ખોદકામ કરતા સોસાયટીની મુખ્ય લાઈન તૂટી ગઈ હતી. પાણીની પાઇપલાઇન ગયેલી હતી ત્યારે સવારે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી આપવાની શરૂઆત થઈ ત્યારે પાણી ઉભરાઈ અને સોસાયટીના રોડ પર ફરી વળ્યું હતું. જેના કારણે એએમસી દ્વારા આપવામાં આવતું લાખો લીટર પાણી વહી ગયું હતું.

સવારના સમય ગાળા દરમિયાન અસંખ્ય લીટર પાણી વહી ગયું હતું. સવારે મુખ્ય લાઈન બંધ કરતા પાણી વહેવાનું બંધ થયું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર, ખોખરા, હાટકેશ્વર અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં અવારનવાર પાણીની પાઇપલાઇન તૂટવાની ઘટનાઓ બનતી હોય છે. બે દિવસ પહેલા મણીનગર રેલવે ક્રોસિંગ પાસે જ પાણીની પાઇપલાઇન માં ભંગાર સર્જાયું હતું. જેના કારણે પાણી રોડ પર વહી ગયું હતું અને પાણીનો બગાડ થયો હતો. તો અગાઉ પણ ખોખરા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણીનો મોટો ફુવારો થયો હતો અને લાખો લિટર પાણી રોડ પર રહી ગયું હતું અવારનવાર કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા જ્યારે ખોદકામ કરવામાં આવે છે ત્યારે ત્યાં પાણીની પાઇપલાઇન છે કે નહીં તે ધ્યાન આપવામાં આવતું નથી અને તેના કારણે પાઇપલાઇન તૂટી જાય છે અને જ્યારે પાણી આપવામાં આવે ત્યારે પાણીનો બગાડ થાય છે.

કોર્પોરેશન દ્વારા જે પણ કંપનીએ આ રીતે નુકસાન કર્યું છે તેની સામે દંડ લઇ અને કાર્યવાહી કરવી જરૂરી છે.