હોળી પછી તાપમાનનો પારો ૪૦ને પાર કરી જશે: હવામાન વિભાગ

રાજ્યના હવામાન વિભાગ જણાવ્યું છે કે, ઉનાળા દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે, રાત્રે અને દિવસે બન્ને સમયમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. આ કારણે આકળા ઉનાળાનો અનુભવ થશે. ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૭ અને લઘુત્તમ તાપમાન ૨૦ રહ્યું છે. સૌથી ઊંચુ મહત્તમ તાપમાનમાં ૪થી ૫ ડિગ્રીનો વધારો થવાનો છે. જો રાજ્યમાં ગરમીનો પારો ૪૦ને પાર ગયો તો અમદાવાદ સહિતના લોકોની હાલત ખરાબ થઈ શકે છે.

હોળી પછી તાપમાનનો પારો ૪૦ને પાર કરી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગરમીની શરુઆત બાદ સાઈક્લોનિક સર્ક્‌યુલેશનની અસરના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો. આ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સાથે કરા પડ્યા હતા. હાલની સર્જાયેલી સિસ્ટમના લીધે લઘુત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થયો હતો.

જોકે, હવે આગામી સમયમાં ગરમીમાં ફરી એકવાર વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની સાથે અમદાવાદના કેટવાક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજસ્થાનના ૧૦ જિલ્લાઓમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના નિષ્ણાંતોનું માનવું છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે, જેની અસર ગુજરાતના હવામાનમાં પણ જોવા મળશે. ૧૨ માર્ચ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે.