ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે મેધરાજાની મ્હેર થઈ

ગોંડલ તાલુકાના બાંદરા અને દેવચડી ગામમાં ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા હતા. તથા ગામના બેઠા પુલ તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. બાંદરા અને દેવચડી ગામમાં પ્રથમ વરસાદ વાવણી લાયક થતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ હતી. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે અને નદી-નાળા છલકાયા છે.

બીજી તરફ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રમાં હળવો અને છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આજથી ત્રણ દિવસ સુધી એટલે કે વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જૂન મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૫૭.૩ મીમી વરસાદ થતો હોય છે. તેના બદલે ૧થી ૨૩ જૂન સુધીમાં ૨૬.૨ મીમી જ વરસાદ પડ્યો છે. આમ, અત્યાર સુધી ૫૪ ટકા વરસાદની ખાધ પડી હોવાનું હવામાન વિભાગ જણાવે છે.

સામાન્ય રીતે જૂન મહિનામાં આ જ પદ્ધતિથી એટલે કે હળવાથી લઇને ૫ ઈંચ સુધીનો વરસાદ થતો હોય છે. જુલાઇ માસથી ચોમાસાની સિસ્ટમ મજબૂત બનતી હોવાને કારણે વરસાદનો વિસ્તાર અને વ્યાપ વધતો હોય છે. આ દિવસોમાં સાવર્ત્રિક વરસાદ પડતો હોય છે. જુલાઈ માસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતું હોય છે. જે એમ.પી. માં સ્થિર થતું હોય છે. તેમજ અરબી સમુદ્રમાંથી સપોર્ટ મળતો હોય આ દિવસોમાં વરસાદનો વિસ્તાર અને વ્યાપ વધતો હોય છે. ફાયરબ્રિગેડના આંકડા મુજબ ગુરુવારે રાજકોટમાં સવારે ૬ કલાકે વરસાદ વરસ્યો હતો અને એક કલાકમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો.ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક જ ભારે પવન ફૂંકાવાનું શરૂ થતા ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. હાલ બાંદરા અને દેવચડી ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે.