યુરોપ, ચીનમાં કોરોનાનું જોખમ વધતાં મહારાષ્ટ્ર સરકાર સજાગ

વિશ્વના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યુ છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે.ત્યારે મહારાષ્ટ્ર સરકારે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ યુરોપ, ચીન અને અન્ય દેશોમાં કોવિડ-૧૯ના કેસમાં થયેલા વધારા વચ્ચે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે કોવિડ-૧૯ના વધતા જતા કેસોની વચ્ચે સાવચેતી અને કોરોના નિયમોનું  પાલન કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું,આપણે સાવચેત રહેવું પડશે કારણ કે યુરોપ, ચીન અને અન્ય દેશોમાં કોવિડના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી આપણે ત્રીજા લહેરની અસર જોઈ છે, આપણે માસ્ક હટાવવાનું વિચારી પણ નથી શકતા.

આપણે કોવિડ-૧૯ના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે.તેમણે કહ્યું કે ઉદ્ધવ સરકારે કોવિડ નિયમોમાં છૂટછાટ આપી છે,નિયમો પહેલાની જેમ કડક નથી, પરંતુ આપણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી છે. વધુમાં મંત્રી ટોપેએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવેલા સૂચનોને રાજ્ય સરકાર ધ્યાનમાં લેશે.

ઉપરાંત તેમણે કહ્યું, ટાસ્ક ફોર્સ અને અન્ય તમામ સંસ્થાઓને જાણ કરવામાં આવી રહી છે અને તેઓ વિશ્વભરની પરિસ્થિતિથી વાકેફ છે અને તેઓ વર્તમાન પરિસ્થિતિને જોતા અમને પગલાં સૂચવતા રહે છે, જે પણ સૂચનો આપવામાં આવશે તેના પર વિચાર કરવામાં આવશે. ગુડી પડવા જુલૂસ કાઢવાની ભાજપની માંગ વિશે વાત કરતા,આરોગ્ય મંત્રીએ કહ્યું કે મુખ્ય પ્રધાન આ બાબતે ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા પછી ર્નિણય લેશે. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી છે,તેથી વાલીઓને બાળકોના રસીકરણ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.