પૂરનું નિરીક્ષણ કરવા ગયેલ મધ્યપ્રદેશના ગૃહમંત્રી ખુદ ફસાયાઃ રેસ્ક્યુ કરી બચાવાયા

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નદી પાર કરી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે કોટરા ગામ પહોંચ્યા તો તેઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તેમને એરફોર્સના હેલિકોપ્ટર મારફત પૂરની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

હકીકતમાં નરોત્તમ મિશ્રા દતિયામાં એનડીઆરએફની મોટરબોટમાં લાઈફ જેકેટ પહેરી પૂરગ્રસ્ત કોટરા ગામ પહોંચ્યા હતા. અહીં તેઓ એક ઘરમાં કેટલાક લોકોને ફસાયેલા જોયા તો તેઓ પણ ઘરની છત પર જતા રહ્યા હતા. એસડીઆરએફએ અહીંથી તમામને સુરક્ષિતપણે બહાર કાઢ્યા હતા. જોકે ગૃહમંત્રી ફસાઈ ગયા હતા. અલબત્ત, ત્યાર બાદ હેલિકોપ્ટર મારફત રાહત અને બચાવકાર્ય કરતી ટીમે તેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. આ અગાઉ ચાર ગ્રામીણોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયા અને ડબરામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ અને બોટ મારફત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દતિયાની નદીઓમાં વધી રહેલા જળસ્તરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમણે પૂરગ્રસ્ત લોકોની મુલાકાત કરી ભોજન-આવાસની વ્યવસ્થા અંગે યોગ્ય આદેશો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે સિંધ નદીમાં પૂરને લીધે નદીના કિનારા પર આવેલા ગામની સ્થિતિ ખરાબ છે. સેના અને વાયુસેના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરી તેમને સુરક્ષિત સ્થળ પર પહોંચાડી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિંધ નહીનું પાણી કિનારા પર વસેલા ગામોમાં ઘૂસી ગયું છે. નદીનો જળસ્તર વધવાથી ઈંદરગઢ ક્ષેત્રના રુર અને કુલૈથ ગામો વચ્ચે સંપર્ક તૂટી ગયો છે. અન્ય અનેક ગામો પણ એક-બીજા સાથે સંપર્કવિહોણા થયાં છે. મહુઅર નદીમાં ભારે પૂરને લીધે પાણીનો સ્તર ખૂબ ઝડપથી વધવા લાગ્યો હતો અને લોકો ટાપુ પર ઘેરાઈ ગયા હતા. આ સંજોગોમાં પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.