સુરતમાં કચરાની ગાડી સમયસર ન આવતાં સ્થાનિકોએ વિરોધ કર્યો

સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર સુરત શહેરની સફાઈ પાછળ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોના મનસ્વી વલણને કારણે સ્થાનિકોને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ન માત્ર પુણા વિસ્તાર નથી. પરંતુ ઘણી બધી સોસાયટી છે કે, જેમાં નિયમિત રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવા માટે આવતા નથી. ડોર ટુ ડોર કલેકશન માટેનો નિયત સમય હોવા છતાં પણ તેમની ગાડીઓ મનફાવે તે રીતે સોસાયટીઓમાં આવે છે. જ્યારે સ્થાનિકો દ્વારા ગાડી લઈને આવનાર પૂછવામાં આવે છે. ત્યારે તમે તમારા કોન્ટ્રાક્ટર અને પ્રતિનિધિ સાથે વાત કરો અમને ખબર નથી. ઘણી વખત તેમને ફોન કરવામાં આવે છે. ત્યારે એક જ જવાબ આપતા હોય છે કે, અમારી ગાડી ખરાબ થઈ ગઈ છે. આશીર્વાદ સોસાયટીના પ્રમુખ રાજુભાઈ વેકરીયાએ જણાવ્યું કે, પુણા વિસ્તારમાં અમારી સોસાયટી સહિત ઘણી સોસાયટીઓમાં પ્રકારના પ્રશ્નો સતાવી રહ્યા છે.

સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને અધિકારીઓ પણ ગલ્લાતલ્લા કરે છે. આરોગ્ય અધિકારીને કહેવામાં આવે ત્યારે તે પણ તોછડાઈ પૂર્વક જવાબ આપે છે. કોન્ટ્રાક્ટરો પાસેથી સખ્તાઇ પૂર્વક કામ લેવાને બદલે તેઓ ફરિયાદ કરનાર સ્થાનિકને ખખડાવી નાખતા હોય તેવું તેમનું વર્તન હોય છે. આરોગ્ય અધિકારી અજીત ભટ્ટે જણાવ્યું કે, આશીર્વાદ સોસાયટીની ફરિયાદ અમને મળી છે. જ્યાં યોગ્ય રીતે ગાર્બેજ કલેકશન થતું નથી. નિયત સમય પ્રમાણે ગાડી ત્યાં જતી ન હોવાનું સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી છે. જેને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ કરી છે. નિયમિત રીતે ગાડી ત્યાં જઈને કચરાનું કલેક્શન કરે તેના માટેની અમે તેને તાકીદ કરી છે. અમને ગાડી નથી જોતી એવી ફરિયાદ નથી મળી, પરંતુ આમ નિયમિત સોસાયટીમાં ગાડી આવતા હોવાની ફરિયાદ મળી છે.

નિયત સમય પ્રમાણે ડોર ટુ ડોર કલેકશનની ગાડી ન આવતા આખરે સ્થાનિક લોકોએ જાહેર રસ્તા ઉપર કચરો ઠાલવવાનું શરૂ કર્યું છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં દિવાળી પછીથી ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેક્શનની ગાડી રેગ્યુલર ન આવતી હોવાને કારણે સોસાયટી દ્વારા સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ અને જન પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવા છતાં સમસ્યા ત્યાંની ત્યાં જ રહી છે. સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીની બહાર જાહેર રસ્તા પર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. તથા કોન્ટ્રાક્ટરના મનસ્વી વલણ સામે પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે, જ્યારે ફોન કરીએ ત્યારે ગાડી ખરાબ હોવાના જવાબ અપાઈ રહ્યાં છે.