અમદાવાદની જીઆઈડીસી વિસ્તારોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ

અમદાવાદ અને આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારોમાં ધમધમતા કારખાના અને ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી કે ફાયરના સાધનો અભાવ હોય છે. કામદારોના સેફ્ટી માટેના સામાન પણ કંપનીઓ વસાવતી નથી. જે બાબતે જુદી જુદી સંસ્થાઓ અને જાગૃત નાગરિકો દ્વારા વારવાર તંત્રને સ૨કાર સમક્ષ રજૂઆત કરવામાં આવતી હોય છે. જેના કોઈ જ પરિણામ આવતા નથી. એક ખાનગી સંસ્થા દ્વારા આ બાબતે કરવામાં આવેલા સર્વેમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેલ્લા બે વર્ષમાં ઈન્ડસ્ટ્રીમાં ૩૨૨ મોટા અકસ્માત થયા છે અને ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે કામદાર અનિલ વર્માનું કહેવું છે કે, આજથી ૪ મહિના પહેલા તેમણે તેમની સાથે કામ કરતા લોકોને બળતા જોયા છે પણ તેમને ખબર નહોતી કે, આ ઘટના બાદ તેમનો પણ વારો આવશે. તેઓ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે મશીનને ચાલુ કરવા મટે પ્રયત્ન કર્યો અને આંગળી આવી ગઇ ત્યારથી મારી આંગળીઓ નથી. મારે કોઈક વસ્તુઓ ઉચકવી હોય તો નથી ઊંચકી શકતો. સંસ્થાના સર્વેમાં નારોલ ઔદ્યોગિક વિસ્તારનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યાં ધમધમતા પ્રોસેસ હાઉસ અને કાપડની ફેક્ટરીમાં જે શ્રમજીવીઓ કામ કરે છે તેમની સલામતી માટેની કોઇ વ્યવસ્થા નથી. જે અંગે સર્વેમાં તારણો સામે આવ્યા છે તે સંસ્થા દ્વારા સરકાર સમક્ષ રજુ કરવામાં આવશે અને હાઇકોર્ટમાં પણ કરવામાં આવશે.આ પીડિતોએ પરિવારના બે ટંકના ભોજન માટે મોતનું જોખમ ઉઠાવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારમાં રોજેરોજ આગ લાગવાની તેમજ નાના-મોટા બ્લાસ્ટ થવાની ઘટનાઓ બની રહી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદમાં જ આવી મોટી દુર્ઘટનાઓમાં ઘણાબધા શ્રમજીવીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.આ બાબતે જુદી જુદી સંસ્થાઓ અને જાગૃત લોકો દ્વારા તંત્ર અને સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી.

કામદાર સુરક્ષા સઘ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો. જેમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાતની ફેક્ટરીઓમાં ૩૨૨ મોટા અકસ્માત થયા છે અને સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેની નોંધ લેવામાં આવી છે. જોકે નાના અકસ્માત અને નાની-મોટી ઇજાઓની તો કોઈ નોંધ પણ લેતું નથી. સંસ્થાના સર્વે મુજબ નારોલમાં ધમધમતી કંપનીઓમાં કર્મચારીઓની તકેદારી માટે કોઈ જ સિસ્ટમ પણ લગાવવામાં આવતી નથી. આ અંગે સર્વે કરનાર મહેશ ગુર્જરનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં નારોલ વિસ્તારમાં થોડા સમય પહેલાં જ નારોલની એક કંપનીમાં બ્લાસ્ટ સાથે ફાટી નીકળેલી ભયાનક આગમાં ૧૧ કામદારોના મરણ થયા હતા. આ ઉપરાંત વટવા જીઆઈડીસીમાં લાગેલી આગને કારણે શહેરભરના ઉદ્યોગપતિઓની ઊંઘ ઊડી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.