નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે ગાબડાં પડ્યા, ગામમાં પાણી ઘૂસવાનો લોકોને છે ડર
પાટણઃ રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદરૂપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક આવી જ પાટણ વિસ્તારમાં જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે.
કચ્છ બ્રાન્ચ કેનાલમાં માત્ર એકાદ બે નહીં અનેક ગાબડાઓ જોવા મળી રહ્યા છે. નર્મદા કેનાલમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે તેના બોલતા પૂરાવા સામે આવ્યા છે. એક બે નહીં પરંતુ ૧૫૦ ફુટ લાંબા ગાબડા પડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ તો નર્મદા કેનાલની સ્થિતિ જોવામાં આવે તો, નર્મદામાંથી વધારે પાણી છોડવામાં આવે તો આસપાસના ગામની સ્થિતિ કપરી બની જાય એવી ભીતી જાવા મળી રહી છે.
સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે, ચોમાસામાં તો પાણી વધારે કેનાલમાં આવે તો એ વિચારવાથી જ ડર લાગે છે. અગાઉ સ્થાનિક ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પત્ર લખીને કેનાલ રિપેર કરવા માટે માંગ કરી હતી. સવાલ એ પણ છે કે, કટકીખોરો સામે પગલા ભરાશે કે કેમ.