રખડતા ઢોરની અડફેટે લેવાના રાજ્યમાં બે બનાવમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

નારી ચોકડી સિદસર રોડ પર એક વ્યક્તિએ રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવ્યો

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવી રહ્યા છે. રોજ કોઈને કોઈ શહેરમાં એકાદ વ્યક્તિ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવી રહી છે. છતા તંત્ર દ્વારા માત્ર કામગીરીનો જાણે ડોળ કરવામાં આવે છે. ભાવનગર વધુ એક વ્યક્તિએ રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવ્યો છે. શહેરના નારી-ચોકડી સીદસર રોડ પર રખડતા ઢોરની અડફેટે એક વ્યક્તિનું મોત થયુ છે. બાઈક પર જઈ રહેલા ધનજી ઘોરીને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. તેમના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રખડતા ઢોરને કારણે શહેરમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યા અંગે નક્કર કામગીરી થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

દાહોદમાં રખડતા ઢોરની અડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો

દાહોદમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ચાકલિયા અંડર બ્રિજ નજીક આખલાએ એક બાઈક ચાલકને અડફેટે લેતાં યુવકને ઈજાઓ પહોંચી હતી. બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, શહેરના ચાકલિયા અંડર બ્રિજ પાસે આખલાઓની લડાઈમાં એક આખલાએ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ ઘટના બાદ રોડ પર વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે રખડતા પશુઓની સમસ્યા સામે કડક કાર્યવાહી કરવાની લોકોમાં માગ ઉઠી છે. બીજી તરફ ભાવનગરમાં પણ રખડતા ઢોરના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. ભાવનગરના સીદસર રોડ પર બાઈક લઈને જઈ રહેલા એક વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે સ્થળ પર જ આ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.