કચ્છઃ પુરાતાત્વિક ખોદકામથી ૫૨૦૦ વર્ષ જૂની હડપ્પાકાલીન વસ્તી હોવાનું સામે આવ્યું

કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામની બહારના વિસ્તારમાં ખોદકામ દરમિયાન ૫૦૦ કબરવાળા એક સામૂહિક કબ્રસ્તાન વિશે ખબર પડી હતી. આ ખોદકામ ૨૦૧૮-૧૯માં કેરલ યૂનિવર્સિટી અને કચ્છ યૂનિવર્સિટીના પુરતત્વવિદોએ સાથે મળીને કર્યું હતું. ત્યાર સવાલ એ હતો કે આ કબરો આખરે કોની છે? શું આસપાસના કોઇ મોટી માનવ વસ્તીનું કબ્રસ્તાન હતું કે પછી બીજું કંઇ?

પુરાતાત્વિકની ટીમ સતત ત્યારથી આસપાસના વિસ્તારોમાં વસ્તીઓના અવશેષ શોધી રહી છે. હવે આ પુરાતત્વવિદોને એક મોટી સફળતા મળી છે. તેમણે એક નવો પુરાવો મળ્યો છે. આ સ્પેશિયલ સ્ટોરીમાં અમે તમને આ નવી શોધ વિશે વિસ્તારપૂર્વક જણાવીશું. ગુજરાતના કચ્છમાં પુરાતાત્વિક ખોદકામથી ૫૨૦૦ વર્ષ જૂની હડપ્પાકાલીન વસ્તીની ખબર પડી છે. પડતા બેટ નામના સ્થાનિક ટેકરા પરથી ખોદકામમાં તેમને એક કંકાલ, માટીના વાસણો અને કેટલાક જાનવરોના હાડકાં મળ્યા હતા. આ બધા સૂચવે છે કે જુના ખાટિયાના કબ્રસ્તાનથી લગભગ ૧.૫ કિમી દૂર ૫૨૦૦ વર્ષ જૂની હડપ્પન વસાહત હતી.

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોજેક્ટના સહ-નિર્દેશક રાજેશ એસવીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ‘પડતા-બેટની ટેકરી જુના ખટિયા ખાતે મળેલા હાડપિંજર (કબ્રસ્તાન) સાથે સંકળાયેલી જગ્યા હોઈ શકે છે. હાલમાં જાણવા મળે છે કે આ અનેક વસાહતો પૈકીની એક હતી જેનું કબ્રસ્તાન જુના ખટિયા હતું. પડતા-બેટના ચાર હેક્ટર વિસ્તારમાં ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને બે મુખ્ય જગ્યાઓ મળી. સંશોધકોનું માનવું છે કે કદાચ જ્યારે કોઈ વિસ્તારની વસ્તી વધી હશે ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ ગયા હશે. એવું પણ શક્ય છે કે લોકોએ અલગ-અલગ સમયે રહેવા માટે અલગ-અલગ વિસ્તાર પસંદ કર્યા હશે.

રાજેશ એસવીએ ધ હિંદુને જણાવ્યું હતું કે, “આ સ્થળો પર મળી આવેલ માટીના વાસણો, પ્રાણીઓના હાડકાં અને અન્ય વસ્તુઓની વિપુલતા દર્શાવે છે કે હડપ્પન લોકો આ વિસ્તારમાં લગભગ ૩૨૦૦ બીસીથી ૧૭૦૦ બીસી સુધી રહેતા હતા, એટલે કે પ્રારંભિક હડપ્પા કાળથી લઇને પછીના હડપ્પા કાળ સુધી રહે છે.  મળી આવેલ માટીકામ એ પણ દર્શાવે છે કે પ્રારંભિક હડપ્પન, અદ્યતન હડપ્પન અને અંતમાં હડપ્પન સમયગાળાના વાસણો ત્યાં મળી આવ્યા છે.” જો કે ઘણા તૂટેલા વાસણો અન્યત્ર જોવા મળતા હડપ્પન પોટ્‌સ જેવા હોય છે, પરંતુ ઘણા સંપૂર્ણપણે અલગ દેખાય છે. આ કદાચ આ વિસ્તારની એક વિશેષ પદ્ધતિ હોઈ શકે છે, જે હડપ્પન સંસ્કૃતિના વાસણો બનાવવાની અન્ય ઓળખાયેલી પદ્ધતિથી અલગ છે. આ વાસણોમાં મોટા ભંડાર કરવાની બરણીથી માંડીને નાની કટોરીઓ અને થાળીઓ સામેલ છે.

ખોદકામમાં મળેલી વસ્તુઓમાં કિંમતી પથ્થરોમાંથી બનાવેલ માળા, ટેરાકોટા સ્પિન્ડલ વોર્લ (દોરા કાંતવાનું સાધન), તાંબુ, પથ્થરનાં સાધનો, પીસવાના પથ્થરો અને હથોડીઓ મળી આવી હતી. પશુઓના હાડકાં પણ મળી આવ્યા છે, જે કદાચ ગાય, ઘેટાં કે બકરીનાં છે. આ ઉપરાંત ખાદ્ય છીપના ટુકડા પણ મળી આવ્યા છે. આ બધા સૂચવે છે કે હડપ્પાની વસાહતોમાં રહેતા લોકો પ્રાણીઓને પાળતા હતા અને છીપ જેવા જળચર જીવોને ખાતા હતા. જો કે, વૃક્ષો અને છોડના ઉપયોગને વધુ સારી રીતે સમજવા માટે, ત્યાંથી કેટલાક નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા અને પડતા-બેટના ખોદકામનું નેતૃત્વ કરનાર પ્રોફેસર અભયન જી.એસ. કહે છે કે આ સ્થળ એક ટેકરીની ટોચ પર છે. તેથી અહીંની જમીનનું માળખું અસ્થિર છે અને તેના કારણે સમયાંતરે ઘણા બાંધકામો નાશ પામ્યા હશે. ‘અગાઉની હડપ્પન વસાહતો મળી આવી હતી અથવા ખોદવામાં આવી હતી તે મોટે ભાગે સપાટ મેદાનોમાં મળી આવી હતી, જ્યારે આ હડપ્પન વસાહતો એક ટેકરીની ટોચ પર મળી આવી છે. પડદા-બેટનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી આસપાસની ટેકરીઓથી બનેલી ખીણનો આખો નજારો દેખાય છે. વળી, ટેકરી પાસે વહેતી નાની નદી એ સમયે આ વસાહતના લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની શકે.

કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી ઉપરાંત અન્ય ઘણી સંસ્થાઓ પણ આ સંશોધનમાં સાથે મળીને કામ કરી રહી છે. આમાં કતલાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ આર્કિયોલોજી (સ્પેન), સ્પેનિશ નેશનલ રિસર્ચ કાઉન્સિલ (સ્પેન), યુનિવર્સિટી ઓફ લા લગુના (સ્પેન), એલ્બિયન કોલેજ અને ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી (યુનાઇટેડ સ્ટેટ્‌સ), ડેક્કન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પુણે)નો સમાવેશ થાય છે. , KSKV કચ્છ યુનિવર્સિટી (ગુજરાત), કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.