વાવાઝોડાનાં પગલે જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં સ્પષ્ટતા કરી છે કે, ખૂબ જ ગંભીર વાવાઝોડું “બિપરજોય” પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર આગળ વધી રહ્યું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોને અસર કરે તેવી શક્યતા છે. આગામી ૪ દિવસ માટે ૧૧ થી ૧૫ જૂન ૨૦૨૩ સુધી ચક્રવાત “બિપરજોય” ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આગાહી છે.

ચક્રવાતી તોફાન બિપરજોય સૌરાષ્ટ્ર તેમજ કચ્છ પ્રદેશોને અસર કરે તેવી ધારણા છે. જામનગર જિલ્લાની તો વર્તમાન બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઇ જિલ્લાના સંભવિત સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના ૨૨ ગામોમાં જિલ્લા કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના અનુસાર જામનગર જિલ્લા હોમગાર્ડઝના “આપદા મિત્ર” ની તાલીમથી સજ્જ ૧૬૬ જવાનો મદદરુપ થવા પહોંચ્યા છે.

દરેક ગામમાં રાઉન્ડ ધ ક્લોક ચાર હોમગાર્ડઝ જવાનો સતત ફરજ બજાવશે. આમ કુલ ૮૮ હોમગાર્ડઝ જવાનો તથા ૩ અધિકારી શ્રી કમલેશ ગઢિયા,ચંદ્રેશ ગોસ્વામી, હિમાંશુ પુરોહિત મળી કુલ ૯૧ આપદા મિત્ર જવાનો જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી સુરેશ ભીંડીની સીધી દેખરેખ હેઠળ કાર્યરત છે.હાલ દરિયાકાંઠાના ગામો હોમગાર્ડઝ જવાનોના માર્ગદર્શન હેઠળ છે.જેમાં કોઠારીયા, માણામોરા, ભીમકાટા, જામસર, ખીરી, બાલાચડી, જોડિયા, બાદનપર, ખીજડિયા, સચાણા, મૂંગણી, ગાગવા, બેડ, વસઈ, સરમત, દિગ્વિજય ગ્રામ, ગોરધનપર, ઢીંચડા, ખારા બેરાજા, નવા નાગના, સિંગચ, જાખરનો સમાવેશ થાય છે. જવાનો સતત તેમની ફરજ બજાવી રહ્યા છે અને ગામમાં સ્થળાંતર,બચાવ અને રાહતની કામગીરી જેવી ફરજો બજાવી હોમગાર્ડઝના “નિષ્કામ સેવા” ના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરી રહ્યા છે.