ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના વાયરસથી સંક્રમિત

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના મીડિયા સલાહકારે આ માહિતી આપી હતી. ૫૦ વર્ષીય બેનેટ ૩ એપ્રિલથી ૫ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાત લેવાના હતા. તેમનો પ્રવાસ કેન્સલ થશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. બેનેટની ઑફિસે એક નિવેદનમાં કહ્યુંઃ  વડાપ્રધાન સ્વસ્થ છે અને ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે. “બેનેટ, સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્‌ઝ, આંતરિક સુરક્ષા પ્રધાન ઓમર બાર્લેવ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ ચીફ ઓફ સ્ટાફ અવીવ કોહાવી, શિન બેટ ચીફ રોનેન બાર, પોલીસ ચીફ કોબી શબતાઇ અને અન્ય અધિકારીઓ સાથે મળી રાત્રે થયેલા આતંકવાદી હુમલા સંબંધિત ઘટનાઓની સમીક્ષા કરશે.

રવિવારે હાડેરામાં થયેલા આતંકવાદી હુમલામાં બે ઇઝરાયેલ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા. બેનેટે હાડેરામાં એક મીટિંગમાં હાજરી આપી હતી, પરંતુ સત્તાવાર રીતે જાહેર કરાયેલ ફોટામાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

ભારતની મુલાકાત વિશે, બેનેટે લગભગ એક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે, ભારત-ઈઝરાયેલ  સંબંધો પરસ્પર ‘પ્રશંસા અને અર્થપૂર્ણ સહકાર’ પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય નવીનતા અને ટેકનોલોજી, સુરક્ષા અને સાયબર અને કૃષિ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકારને વિસ્તારવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. બેનેટે કહ્યું હતું કે, “મારા મિત્ર, વડા પ્રધાન (નરેન્દ્ર) મોદીના આમંત્રણ પર ભારતની મારી પ્રથમ સત્તાવાર મુલાકાત લઈને હું ખુશ છું અને સાથે મળીને અમે અમારા દેશો વચ્ચેના સંબંધોને આગળ લઈ જઈશું.”