અમદાવાદઃ જોડાણ કાપી નાંખ્યા હોય તેવા ઔદ્યોગિક એકમો સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ ન કરે માટે ઝોનલ ટીમની રચના

છેલ્લા બે વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા બહેરામપુરાના ઔદ્યોગિક એકમોના 117 જોડાણો કપાયા

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા એકમો સાથે કાર્યવાહી કરી તેમના જોડાણો કાપવામાં આવ્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં તારીખ 31 જુલાઈ, 2023ની સ્થિતિએ ટ્રીટ કર્યા વિના ઔદ્યોગિક એકમો પ્રદૂષણ પાણી મ્યુનસિપલ કોર્પોરેશનની સ્ટ્રોમ વોટર લાઈનમાં છોડતા હોય તેવા કુલ 337 ઔદ્યોગિક એકમોના 117 જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. આ માહિતી શહેરી વિકાસ વિભાગ તરફથી બુધવારે વિધાનસભામાં લેખિતમાં આપવામાં આવી હતી.

વિપક્ષના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં શહેરી વિકાસ વિભાગને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં છેલ્લા બે વર્ષમાં તારીખ 31 જુલાઈ, 2022 સુધીમાં 97 એકમોના 52 જોડાણ અને તારીખ 31 જુલાઈ, 2023 સુધીમાં 240 એકમોના 65 જોડાણ મળી કુલ 337 એકમોના 117 જોડાણો કાપી કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી લેખિતમાં આપવામાં આવી હતી. રસપ્રદ રીતે કાપવામાં આવેલા આ તમામ જોડાણો શહેરના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડના છે.

વિપક્ષના ધારાસભ્ય દ્વારા પૂરક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, જેમાં અન્ય એકમો સ્ટ્રોમ વોટર લાઈનમાં પાણી ન છોડે તે માટે તકેદારીના શા પગલા લેવામાં આવે છે? તેના જવાબમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જણાવાયું કે હાલમાં વોટર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં એકમો દ્વારા જોડાણ કરવામાં ન આવે તે માટે ઝોનલ કક્ષાએ ટીમ બનાવી અવાર-નવાર ચેકિંગ કરવામાં આવે છે.