ભારતમાં આગામી ૩ દિવસ હીટવેવની અસર અનુભવાશે : હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ અનુસાર, ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં રવિવાર, ૦૮ મેથી આગામી ત્રણ દિવસ માટે હીટવેવની સ્થિતિનો અનુભવ કરશે, જેમાં મહત્તમ તાપમાન ૪૨-૪૪ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ શનિવારે રાજસ્થાનનો બાડમેર જિલ્લો દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં આગામી ત્રણ દિવસમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ સાથે જ, આ પ્રદેશોમાં મહત્તમ તાપમાનના ૪૨-૪૪ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સાથે હીટવેવની અસર જોવા મળશે.

દેશના બાકીના પ્રદેશો મધ્યાંતરે સમાન તાપમાનનો અનુભવ કરે તેવી સંભાવના છે, જેનો અર્થ છે કે આ પ્રદેશોમાં આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી, હવામાન વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ૮-૯ મેના રોજ, પૂર્વ રાજસ્થાન અને હરિયાણામાં ૯-૧૧ મેના રોજ, પંજાબ અને જમ્મુના વિસ્તારોમાં ૧૦ અને ૧૧ મે દરમિયાન હીટવેવની સ્થિતિની અપેક્ષા છે. તેમજ વિભાગે મહારાષ્ટ્રના વિદર્ભ અને પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની અસર ૮ મેથી ૧૧ મે સુધી રહેવાની સંભાવના દર્શાવી છે. અમદાવાદમાં શનિવારે સરેરાશ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને રવિવારના રોજ પણ શહેરમાં ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે.