વડોદરામાં બીજા ડોઝની કામગીરી ૯૪ ટકા પર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વડોદરામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી છે અને વધુ ૧૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આમ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૭૧,૬૯૩ ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૪ દિવસમાં ૨૦૦ પ્રવાસી હાઇરિસ્ક દેશમાંથી વડોદરા આવ્યા છે. તમામને સાત દિવસ ક્વોરન્ટીન કરાયા છે.

ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં નજીવો વધારો નોંધાયો છે. જોકે, કેસ ૧૦ની નીચે રહેતા થોડી રાહત છે. વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા કેસ નોંધાયા તે નવા વિસ્તારોમાં સવાદ, જતેલપુર, હરણી, ગોત્રી, દંતેશ્વર અને ઊંડેરાનો સમાવેશ થાય છે. ૧૧ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી છે. વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પાત્રતા ધરાવતા તમામ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવાની કામગીરી ૧૦૦ ટકા પુરી થઈ ગઈ છે અને પહેલો ડોઝ લીધા પછી જેઓ ૮૪ દિવસ પછી બીજીવાર રસી લેવાને પાત્ર બને છે. તેમનો સામેથી સંપર્ક કરીને રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

વડોદરા જિલ્લામાં જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્રે કોરોનાની રસીને લાયક લોકોને આપવાનું આયોજન કર્યું હતું. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતુંકે, પહેલા ડોઝ હેઠળ પાત્રતા ધરાવતા ૧૧૨૯૭૬૮ લોકોને રસી મુકવી પડશે તેવો અંદાજ હતો. જેની સામે ૧૧૩૦૨૮૯ લોકોને રસી મુકવામાં આવી છે. આમ ૧૦૦ ટકા લોકોને પહેલા ડોઝ દ્વારા રસી સુરક્ષિત કરવાની કામગીરી જિલ્લા આરોગ્ય તંત્રે પૂરી કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ડોઝ પછી વ્યક્તિ ૮૪ દિવસ બાદ બીજો ડોઝ લેવાને પાત્ર બને છે. આવા લોકો સામે ચાલીને બીજો ડોઝ લેવાની જાગૃતિ બતાવી રહ્યાં છીએ. તેમ છતાં આરોગ્ય તંત્ર દ્વારા આવા લોકોનો ટેલિફોનીક સંપર્ક કરીને તેમને બીજો ડોઝ લેવાની યાદ અપાવવામાં આવે છે. બીજા ડોઝની પણ લગભગ ૯૪ ટકા કામગીરી પુરી થઈ છે. વડોદરા જિલ્લો સંપૂર્ણ પણે રસીયુક્ત બનવા તરફ અગ્રેસર છે.